કોહલીને પછાડી CSKના ધરખમ બેટરનો ઓરેન્જ કેપ પર કબજો, પર્પલ કેપની રેસમાં કોણ આગળ?
Image : IANS |
IPL 2024 | ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2024માં કદાચ પહેલીવાર કોઈ બેટ્સમેને વિરાટ કોહલી પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી છે. સારી વાત એ છે કે ઓરેન્જ કેપ પર ભારતીય ખેલાડીનો કબજો છે. જોકે હજુ સુધી કોઈ જસપ્રિત બુમરાહ પાસેથી પર્પલ કેપ છીનવી શક્યું નથી.
કોણે છીનવી ઓરેન્જ કેપ...?
ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ રસપ્રદ બની રહી છે. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલીને મોટો ઝટકો આપ્યો છે અને તેની પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી છે. જોકે, પર્પલ કેપ રેસમાં ટોપ 5માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
ત્રણેય ભારતીય ખેલાડીઓ ટોચે
IPL 2024 ઓરેન્જ કેપ હવે ઋતુરાજ ગાયકવાડના માથે છે. વિરાટ કોહલી લાંબા સમયથી આ કેપ પર કબજો ધરાવી રહ્યો હતો, પરંતુ ઋતુરાજ બુધવારે વધુ એક અડધી સદી ફટકારી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે વિરાટ કોહલી કરતા આગળ નીકળી ગયો. વિરાટે 500 રન બનાવ્યા છે, જ્યારે રૂતુરાજે 509 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે, જેણે ગુજરાત ટાઇટન્સ માટે 10 મેચમાં 418 રન બનાવ્યા છે. કે.એલ. રાહુલ 406 રન સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીમાં 398 રન બનાવ્યા છે.
પર્પલ કેપ કોની પાસે?
IPL 2024 ની પર્પલ કેપ હજુ પણ જસપ્રિત બુમરાહ પાસે છે. એવી અપેક્ષા હતી કે હર્ષલ પટેલ અથવા મુસ્તફિઝુર રહેમાન એક વિકેટ લઈને તેને પાછળ કરી શકે છે, પરંતુ CSK vs PBKS મેચમાં આ ખેલાડીઓ ખાલી હાથે પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં બુમરાહ આ સિઝનમાં હજુ પણ નંબર વન બોલર છે. બુમરાહ પછી CSKના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છે, જેમણે 14-14 વિકેટ લીધી છે. ચોથા નંબર પર મથિશા પથિરાના છે, જે પંજાબ સામે રમ્યો નહોતો. તેણે 6 મેચમાં 13 વિકેટ લીધી છે.