'માન એક બાજુ પણ જ્યારે મેદાન પર હોઈએ ત્યારે....' હવે ધોની વિશે ગૌતમનું 'ગંભીર' નિવેદન

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
'માન એક બાજુ પણ જ્યારે મેદાન પર હોઈએ ત્યારે....' હવે ધોની વિશે ગૌતમનું 'ગંભીર' નિવેદન 1 - image
Image:IANS

Gautam Gambhir On MS Dhoni : IPL 2024ની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. તેણે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી છે. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 4માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. આ મેચ પહેલા KKRના મેંટોર ગૌતમ ગંભીરે ધોનીને લઈને વાત કરી છે.

હું હંમેશા CSK સામેની મેચ જીતવા માંગતો હતો - ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરે ધોનીની કેપ્ટનશિપ વિશે વાત કરતા કહ્યું, “જ્યારે હું KKRનો કેપ્ટન હતો, ત્યારે હું હંમેશા CSK સામેની મેચ જીતવા માંગતો હતો. હું મારા મનમાં ખૂબ જ સ્પષ્ટ છું. પરસ્પર સન્માન છે પરંતુ જો તમે મેદાન પર એકબીજા સામે રમી રહ્યા હોવ તો તમે હંમેશા જીતવા ઈચ્છો છો.”

મને નથી લાગતું કે કોઈ પણ તે સ્તર સુધી પહોંચી શકે છે - ગંભીર

ગંભીરે વધુમાં કહ્યું, “સ્વાભાવિક રીતે, એમએસ ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. મને નથી લાગતું કે કોઈ પણ તે સ્તર સુધી પહોંચી શકે છે. ભારત માટે 3 ICC ટ્રોફી જીતવી એ કોઈ સરળ કાર્ય નથી. પરંતુ જ્યારે હું IPLમાં તેની સામે રમ્યો ત્યારે ખૂબ મજા આવી હતી. મેં પણ આનો ખૂબ આનંદ લીધો."

જ્યાં સુધી ધોની ક્રિઝ પર છે તે મેચ ફિનિશ કરી શકે છે - ગંભીર

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું, “હા, IPLમાં મેં દરેક રીતે તેનો આનંદ માણ્યો કારણ કે હું જાણતો હતો કે એમએસની તે વ્યૂહાત્મક માનસિકતા છે. તે રણનીતિમાં ખૂબ જ સારો છે. સ્પિનરોને કેવી રીતે નિયંત્રિત કરવું, તેમની સામે કેવી રીતે ફિલ્ડિંગ ગોઠવવી તે જાણતો હતો અને તેણે ક્યારેય હાર ન માની. તે 6 કે 7 નંબર પર બેટિંગ કરતો હતો. અમે જાણતા હતા કે જ્યાં સુધી તે ક્રિઝ પર રહેશે ત્યાં સુધી તે મેચ પૂરી કરી શકે છે. એક ઓવરમાં 20 રનની જરૂર છે અને એમએસ છે તો તે મેચ ફિનિશ કરી શકે છે. ચેન્નઈ એવી ટીમ છે જેની સામે તમે જાણો છો કે જ્યાં સુધી છેલ્લો રન નહીં બને ત્યાં સુધી તમે જીત્યા નથી.”

'માન એક બાજુ પણ જ્યારે મેદાન પર હોઈએ ત્યારે....' હવે ધોની વિશે ગૌતમનું 'ગંભીર' નિવેદન 2 - image


Google NewsGoogle News