VIDEO : મુંબઈ-રાજસ્થાન મેચમાં ચાહક મેદાનમાં ઘૂસી ગયો, પૂર્વ કેપ્ટન પણ ચોંકી ઉઠ્યો
Image:IANS |
Rohit Sharma Fan : IPL 2024માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાનખેડેમાં મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાને મુંબઈને 6 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ સામે 6 વિકેટની હાર સાથે આ મુંબઈ ઇન્ડિયન્સની IPL 2024માં સતત ત્રીજી હાર હતી. આ મેચ દરમિયાન એક રમુજી ઘટના પણ બની, જ્યારે એક ફેન સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો અને રોહિત શર્માને ગળે લગાવ્યો હતો.
ફેનને જોઈ રોહિત ચોંકી ગયો
બીજી ઈનિંગ દરમિયાન જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક ફેન રોહિત શર્મા તરફ દોડતો જોવા મળ્યો હતો. ફેનને પોતાની તરફ દોડતો જોઈને રોહિત ચોંકી ગયો હતો. આ પછી તે ફેનએ રોહિત શર્માને ગળે લગાવ્યો હતો. ત્યારબાદ તેણે વિકેટકીપર ઇશાન કિશન સાથે હાથ પણ મિલાવ્યો અને પાછો સ્ટેન્ડ તરફ દોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સુરક્ષાકર્મીઓ તેને પકડીને મેદાનની બહાર લઈ જાય છે.
પંડ્યાની આગેવાની હેઠળ MIની સતત ત્રીજી હાર
મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમ 125 રન જ બનાવી શકી હતી. જેમાં હાર્દિક પંડ્યાના 21 બોલમાં 34 રન અને તિલક વર્માના 29 બોલમાં 32 રન શ્રેષ્ઠ રહ્યા હતા. રાજસ્થાન માટે અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રિયાન પરાગે સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 39 બોલમાં અણનમ 54 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને આ મેચમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં મુંબઈ માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા આકાશ મધવાલે 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.