હાર્દિકની કેપ્ટન્સી અંગે મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીની પોસ્ટ વાયરલ, વિવાદ થતાં ડિલીટ કરી!
New Controversy in MI: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ચર્ચાના કેન્દ્રમાં છે તેનું મુખ્ય એક કારણ હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન બનાવતા જ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે હવે મુંબઈ ઈન્ડિયન્સના જ ખેલાડીએ નવા વિવાદને જન્મ આપ્યો છે. વાત એવી છે કે મોહમ્મદ નબીએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને એક સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જો કે તે સ્ટોરી વાયરલ થતાં જ પાછળથી ડિલીટ કરી દીધી હતી.
હાર્દિકની સાથે નબી પણ ચર્ચામાં આવી ગયો
હાલ મોહમ્મદ નબી (Mohammad Nabi) હાર્દિક પંડ્યાની સાથે ચર્ચામાં આવી ગયો છે અને ક્રિકેટ વર્તુળોમાં નબીએ જ સ્ટોરી શેર કરી અને બાદમાં ડિલીટ કરી તેના પર ચર્ચા શરુ થઈ ગઈ છે. મોહમ્મદ નબી અફઘાનિસ્તાનનો અનુભવી ખેલાડી છે, જે IPL 2024ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. પંજાબ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી પરંતુ મેચમાં હાર્દિકની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઉભા થયા હતા. મુંબઈની છેલ્લી ઓવરમાં વિકેટની ખુબ જરૂર હતી, પરંતુ પંડ્યાએ નબીને બોલિંગ કરાવી ન હતી. જોકે, મુંબઈ મેચ જીતવામાં સફળ રહ્યું હતું પણ આ મેચ બાદ નબીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા વિશે એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી વિવાદ ઉભો થયો હતો.
નબીએ હાર્દિક વિરુદ્ધ પોસ્ટ શેર કરી
હાર્દિપ પંડ્યા પર પહેલેથી જ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે તેમની ટીમ તરફથી પણ સમર્થન મળી રહ્યું નથી. એવું લાગી રહ્યું છે કે મુંબઈની ટીમમાં બે ભાગલા પડી ગયા છે. આ વચ્ચે મોહમ્મદ નબીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આડકતરી રીતે બતાવી દીધુ કે તેને પણ હાર્દિકની કેપ્ટન્શીપ પસંદ નથી. નબીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક વિશે જે પોસ્ટ કરી હતી તે તરત જ ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનો સ્ક્રીનશોટ ખુબ જ વાયરલ થઈ ગયો હતો. નબીની આ પોસ્ટથી મુંબઈ ઈન્ડિયન્સની વાસ્તવિકતા છતી થઈ છે.
યુઝરે હાર્દિકની કેપ્ટનશીપની ટીકા કરી હતી
નોંધનીય છે કે 'Heisenberg' નામના સોશિયલ મીડિયા યુઝરે આ મેચમાં હાર્દિકની કેપ્ટનશીપની ખુબ જ ટીકા કરી હતી. યુઝરે લખ્યું હતું કે આ મેચમાં મોહમ્મદ નબી પાસેથી એક પણ ઓવર ન નખાવી એ વિચિત્ર કેપ્ટનશીપ છે. આ ઉપરાંત યુઝરે લખ્યું કે નબીને બોલિંગ ન આપવી તે આશ્ચર્યજનક હતું. નબીએ બે શાનદાર કેચ ઝડપ્યા હતા અને બેટરને રનઆઉટ પણ કર્યો હતો. આ કારણે મુંબઈની જીતમાં મોહમ્મદ નબીનું ઘણું યોગદાન છે. મોહમ્મદ નબીએ આ યુઝરની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને શેર કરી હતી. પછી શું, વિવાદ થવાનો હતો. વિવાદને જોતા નબીએ તેની સ્ટોરી ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો હતો.