ફક્ત 48 બોલમાં મયંકે બ્રેટ લી-શોએબ અખ્તર જેવા દિગ્ગજોને પછાડી IPLનો ઈતિહાસ બદલ્યો
Image:IANS |
Mayank Yadav : IPL 2024માં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ બેંગ્લોરને 28 રને હરાવ્યું હતું. LSGની આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા લખનઉના બોલરોએ ભજવી હતી. IPL 2024 માત્ર 48 બોલ ફેંકી લખનઉના યુવા બોલર મયંક યાદવે ઈતિહાસ રચી દીધો છે.
દિગ્ગજ ફાસ્ટ બોલરોને પાછળ છોડી દીધા
સમગ્ર ક્રિકેટ જગતને પોતાની ઘાતક બોલિંગથી પ્રભાવિત કરનાર 21 વર્ષીય મયંક યાદવે 30 માર્ચના રોજ IPL ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ કર્યાની બીજી મેચમાં જ તેણે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વખત 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંક્યા છે. મયંકના નામે હવે IPLમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે ત્રણ ફેંકવાનો રેકોર્ડ છે. તેણે બ્રેટ લી, શોન ટેઇટ, શોએબ અખ્તર, ડેલ સ્ટેન જેવા દિગ્ગજ ફાસ્ટ બોલરોને પાછળ છોડી દીધા છે. મયંક સહિત કુલ 5 બોલરો જ આ લીગમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંકી શક્યા છે.
માત્ર 48 બોલમાં રચ્યો ઈતિહાસ
IPL ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોન ટેઈટના નામે છે. તેણે 157.71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે. આ યાદીમાં ઉમરાન મલિક, લોકી ફર્ગ્યુસન અને એનરીચ નોર્ટજે પણ સામેલ છે. પરંતુ કોઈ બોલર 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રણ બોલ ફેંકી શક્યો નથી. મયંકે અત્યાર સુધી 156.7, 155.8 અને 155.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા છે. મયંકનો રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ બોલરોએ સેંકડો બોલ ફેંક્યા છે અને મયંક હજુ સુધી 50 બોલ પણ ફેંકી શક્યો નથી.
પોતાનો જ રેકોર્ડ તોડ્યો મયંક યાદવે
મયંક યાદવે આ સાથે IPL 2024ના ફાસ્ટેસ્ટ બોલનો પોતાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તેણે કેમેરોન ગ્રીનને 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આગાઉ તેણે પંજાબ કિંગ્સ સામે 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી રેકોર્ડ બનાવ્યો હતો. આ યાદીમાં તેના પછી નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, અલ્ઝારી જોસેફ અને મથિશા પથિરાના છે.