IPL 2024 : ડેબ્યુ મેચમાં જ સિઝનનો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો, ધડાધડ વિકેટો ઝડપી બન્યો મેન ઓફ ધ મેચ
Image:IANS |
Mayank Yadav : IPL 2024ની 11મી મેચમાં ગઈકાલે લખન]ઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું હતું. ગઈકાલની મેચમાં મયંક યાદવે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચમાં 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. 21 વર્ષીય મયંકે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને નાન્દ્રે બર્જરનો રેકોર્ડ તોડ્યો હતો. મયંકે તેની ઘાતક બોલિંગથી પંજાબ કિંગ્સના દિગ્ગજ બેટરોને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
IPL 2024નો ફાસ્ટેસ્ટ બોલ
મયંક યાદવે IPL 2024નો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો હતો. તેણે 12મી ઓવરનો પહેલો બોલ 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. આ પહેલા નાન્દ્રે બર્જરે 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. હવે યાદવે તેને પાછળ છોડી દીધો છે. તેની ઘાતક બોલિંગ લખનઉને મેચમાં પાછી લાવી હતી. આ મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મયંક યાદવે ત્રણ વિકેટ ઝડપી
મયંકને પંજાબ સામે તેના ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વિકેટ મળી હતી. તેણે સૌથી પહેલા જોની બેયરસ્ટોને પેવેલિયન પરત કર્યો હતો. આ પછી પ્રભસિમરન સિંહ અને જીતેશ શર્માને પોતાનો શિકાર બનાવ્યો. તેણે 6.75ના ઈકોનોમી રેટથી 27 રન ખર્ચ્યા હતા. આ મેચમાં મયંકે કુલ 18 બોલ 148 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ફેંક્યા હતા. તેની ઘાતક બોલિંગે મેચ ફેરવી દીધો અને મેચ લખનઉની તરફેણમાં ગઈ. IPL 2022માં લખનઉએ મયંકને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સની પ્રથમ જીત
લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં LSGએ ક્વિન્ટન ડી કોકની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે જોરદાર શરૂઆત કરી હતી પરંતુ ટીમ જીતવામાં નિષ્ફળ રહી હતી. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 177 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી શિખર ધવને 70 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જ્યારે લખનઉ તરફથી મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં લખનઉની આ પ્રથમ જીત હતી.