IPL 2024 : પહેલી જીત માટે ફાંફા મારતી હાર્દિકની પલટનનો આજે પંત બ્રિગેડ સામે મુકાબલો
MI vs DC : IPL 2024ની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. આ મેચ દ્વારા મુંબઈની નજર સિઝનની તેની પ્રથમ જીત પર હશે, જ્યારે દિલ્હી તેની બીજી જીત નોંધાવવા મેદાનમાં ઉતરશે. મુંબઈએ અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેને ત્રણેયમાં હાર મળી છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે 4 મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો પૂરી તૈયારી સાથે એકબીજા સામે ઉતરવા માંગશે.
હેડ ટુ હેડ
IPLમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે 18 મેચ જીતીને પ્રભુત્વ જમાવ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને 33 મેચમાંથી 15 મેચ જીતવામાં સફળતા મળી છે.
બેટરો માટે વધુ અનુકુળ વાનખેડે પિચ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચ T20માં બેટરો માટે વધુ અનુકૂળ હોય છે. પરંતુ અહીં IPLની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી એકમાત્ર મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. રાજસ્થાન સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા MIએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવ્યા હતા. પરંતુ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને 15.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જો કે હજુ પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં અહીં બેટિંગ ફ્રેન્ડલી પિચ જોવા મળશે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
મુંબઈ ઇન્ડિયન્સ
હાર્દિક પંડ્યા (C), રોહિત શર્મા, ઈશાન કિશન (wkt), સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, જસપ્રીત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ, ક્વેના મફાકા
દિલ્હી કેપિટલ્સ
ઋષભ પંત (C/wkt), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિખ દાર સલામ, એનરીચ નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, જેક ફ્રેઝર મેકગર્ક