IPLમાં તોફાની બેટિંગના જોરે સૌનો ફેવરિટ બની ગયેલા બેટરને ફેન્સ ઘેરી વળતાં બરાબરનો અકળાયો
Heinrich Klaasen Angry: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)નો બેટર હેનરિક ક્લાસેન (Heinrich Klaasen) તેની બેટિંગના કારણે ચર્ચામાં છે. ક્લાસેનની બેટિંગના દમ પર હૈદરાબાદની ટીમે આ સિઝનમાં ઘણી વખત 200થી વધુ રન બનાવ્યા છે અને આ જ કારણે ભારતીય ચાહકો આ દક્ષિણ આફ્રિકા (South Africa)ના બેટરના દિવાના બન્યા છે.
હેનરિક ક્લાસેન અને જયદેવ ઉનડકટ મોલમાં ગયા હતા
હાલમાં જ હેનરિક ક્લાસેન ટીમના સાથી ખેલાડી જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) સાથે હૈદરાબાદના એક મોલમાં પહોંચ્યો હતો. ક્રિકેટર ક્લાસેનને મુલાકાત લીધી છે તેવા સમાચાર વાયુ વેગે લોકો પાસે પહોંચી જતા મોલમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન મોલમાં ચાહકોની ભારે ભીડે ક્લાસેનને ઘેરી લીધો હતો. ક્રિકેટરની એક ઝલક જોવા ફેન્સ તલપાપડ બન્યા હતા. જો કે પોતાને ભીડથી ઘેરાયેલો જોઈને, હેનરિક થોડો ઉશ્કેરાયેલો દેખાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ભીડને શાંત કરતો પણ જોવા મળે છે.
IPL 2024માં ક્લાસેનનું પ્રદર્શન
IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યું છે. જો ટીમની બેટિંગની વાત કરીએ તો તે અન્ય ટીમો કરતા ઘણી મજબૂત દેખાય છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા સાથે મળીને ટીમને તાબડતોડ શરૂઆત અપાવે છે. ત્યારબાદ હેનરિક ક્લાસેન ટીમ માટે સારી રીતે ફિનિશરની ભૂમિકા ભજવે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ક્લાસને 10 મેચ રમી છે. જેમાં તેણે 189ના સ્ટ્રાઈક રેટથી 337 રન બનાવ્યા છે. ક્લાસેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે. આ સિઝનમાં ક્લાસેન હૈદરાબાદ માટે સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે.