IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે 1 - image


GT vs PBKS : IPL 2024ની 17મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. જ્યાં એક તરફ ગુજરાતે છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું, તો બીજી તરફ પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે. ગુજરાતે ત્રણમાંથી બે મેચ જીતી છે જયારે 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબ ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. પંજાબ આજે જીતના પાટા પર પરત ફરવા માંગશે.

હોમ અવે મેચમાં પંજાબ 2 વખત હાર્યું

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ પાંચમા સ્થાને છે જ્યારે પંજાબની ટીમ સાતમા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સની નજર સિઝનની તેની ત્રીજી જીત પર હશે, જ્યારે પંજાબ કિંગ્સ તેની બીજી જીત પર નજર રાખશે. પંજાબની ટીમ તેની બે અવે મેચ હારી ગઈ છે. PBKSની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક મેચ જીતી શકી છે. ગુજરાત ટાઇટન્સે તેની બંને હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચ જીતી છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ પર દબાણ રહેશે, કારણ કે યજમાન ટીમ અહીંની પરિસ્થિતિઓથી વાકેફ છે. પંજાબ કિંગ્સે જીતના પાટા પર પાછા ફરવું હોય તો મિડલ ઓર્ડરે આગળ આવવું પડશે. ટોપ ઓર્ડર રન બનાવી રહ્યો છે, પરંતુ ત્યાં પણ શિખર ધવન સારી શરૂઆત બાદ અટકતો જોવા મળી રહ્યો છે. જીતેશ શર્મા પાસેથી પણ કેટલીક ઝડપી ઇનિંગ્સ રમવાની અપેક્ષા રાખવામાં આવશે.

અમદાવાદની પિચ બેટરો માટે વધુ અનુકુળ

ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટરો માટે યોગ્ય માનવામાં આવે છે. આ સ્ટેડિયમની આઉટફિલ્ડ ખૂબ જ ઝડપી છે. આ મેદાન પર સ્પિન બોલરો મોંઘા સાબિત થાય છે જ્યારે ફાસ્ટ બોલરોને મદદ મળે છે. આ મેદાન પર મોટા સ્કોર જોવા મળ્યા છે. ગત સિઝનમાં પ્રથમ ઇનિંગનો સ્કોર અહીં પાંચ વખત 200ને પાર કરી ગયો હતો. આ મેદાન પર અત્યાર સુધીમાં 28 IPL મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે, જ્યારે 14 મેચમાં ચેઝ કરતી ટીમ જીતી શકી છે.

હેડ ટુ હેડ

ગુજરાત ટાઇટન્સની ટીમ આ લીગમાં માત્ર બે સિઝન જૂની છે. આ બંને ટીમો વચ્ચે બે સિઝનમાં ત્રણ મેચ રમાઈ છે. ગુજરાત ટાઇટન્સે ત્રણમાંથી બે વખત મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સે માત્ર એક જ વખત મેચ જીતી છે. આંકડાઓ પરથી લાગે છે કે ગુજરાતનું પલડું ભારે છે પરંતુ પંજાબની ટીમને પણ ઓછી આંકી શકાય નહીં.

બંને ટીમના સંભવિત પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સ 

શુભમન ગિલ (C), રિદ્ધિમાન સાહા (wkt), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, દર્શન નલકાંડે

પંજાબ કિંગ્સ

શિખર ધવન (C), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા (wkt), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે 2 - image


Google NewsGoogle News