હૈદરાબાદ ટીમે ફરી ધૂંઆધાર ઈનિંગ રમી એક તીરથી 3 શિકાર કર્યા, પોઈન્ટ ટેબલમાં ખળભળાટ મચી ગયો
DC vs SRH IPL 2024 Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફરી એક વખત હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી. આ મેચમાં હૈદરાબાદે ફરી ધૂઆંધાર ઈનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદે આ વર્ષે ત્રીજી વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 263 રનના રેકોર્ડને તોડ્યો છે. દિલ્હી સામે પણ ધાકડ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માનું તોફાન આવ્યુ હતું. બંને બેટ્સમેનોએ સાથે મળીને માત્ર પાવરપ્લેમાં 125 રન ઝૂડ્યા હતા. હૈદરાબાદે દિલ્હીને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ દિલ્હી 67 રનથી મેચ હારી ગયું હતું. ખાસ વાત એ છે કે હૈદરાબાદે દિલ્હીને હરાવીને એક તીરથી ત્રણ શિકાર કર્યા છે. પેટની સેનાએ દિલ્હીની સાથે 2 અન્ય ટીમોને પણ મોટો ઝટકો આપ્યો છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ખળભળાટ મચી ગયો.
પોઈન્ટ ટેબલમાં SRHની સ્થિતિ મજબૂત
હૈદરાબાદ હવે સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. પોઈન્ટ ટેબલમાં SRHની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે. આ મેચ પહેલા હૈદરાબાદ 6 મેચમાંથી 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતું પરંતુ હવે દિલ્હીને હરાવીને તે 7 મેચમાંથી 5 જીત સાથે સીધુ બીજા સ્થાને પહોંચી ગયું છે. હૈદરાબાદ કરતાં માત્ર રાજસ્થાન રોયલ્સ આગળ છે. બીજી તરફ આ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ 7માંથી 3 મેચ જીતીને છઠ્ઠા સ્થાને હતી પરંતુ હવે હૈદરાબાદ સામેની કારમી હાર બાદ તે 7માં સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીથી આગળ છઠ્ઠા સ્થાને છે. આવી સ્થિતિમાં હૈદરાબાદ સામેની હાર બાદ માત્ર દિલ્હીને તો ઝટકો લાગ્યો જ છે પરંતુ તેની સાથે-સાથે અન્ય બે ટીમોને પણ મોટો ઝટકો લાગ્યો છે.
આ બે ટીમને આપ્યો મોટો ઝટકો
હૈદરાબાદે દિલ્હીને હરાવવાની સાથે-સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને પણ ઝટકો આપ્યો છે. આ મેચ પહેલા KKR બીજા સ્થાને હતું પરંતુ હવે હૈદરાબાદ બીજા સ્થાને પહોંચી ગયું છે. KKR હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ પહેલા 7 મેચમાંથી 4 જીત સાથે ત્રીજા સ્થાન પર હતી પરંતુ હવે તે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં હૈદરાબાદે દિલ્હીની સાથે-સાથે KKR અને CSKને પણ નુકસાન પહોંચાડી દીધુ છે.