VIDEO: ઋતુરાજ ગાયકવાડે 56 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો, CSK માટે પ્રથમવાર દમદાર દિવસ
IPL 2024 : ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 39મી મેચમાં ઋતુરાજ ગાયકવાડે 56 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં ચેન્નાઈની ટીમ માટે આવી દમદાર ઘટના પ્રથમવાર બની છે. ગાયકવાડ ચેન્નાઈ ટીમની કેપ્ટન છે. અગાઉ ટીમના કેપ્ટન રહેલા મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ સદી ફટકારી શક્યા નથી, પરંતુ ગાયકવાડે 17 વર્ષ બાદ આ કારનામું કરી બતાવ્યું છે.
ગાયકવાડે IPL કારકિર્દીમાં ફટકારી બીજી સદી
ગાયકવાડ માટે આ સદી ખૂબ જ મહત્વની છે, કારણ કે સિઝનની શરૂઆત પહેલા જ તેને અચાનક કેપ્ટનશીપ મળી ગઈ હતી. મોટી વાત એ છે કે તેણે ધોનીની જગ્યા લીધી છે. સિઝનની શરૂઆતની કેટલીક મેચોમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ છેલ્લી ચાર મેચમાંથી ત્રણ મેચમાં તેણે બે અડધી સદી અને એક સદી ફટકારીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. ગાયકવાડે બીજી વખત આઈપીએલમાં સદી ફટકારી છે.
ગાયકવાડે મેદાનમાં આવતા જ ધમાકેદાર બેટિંગ કરી
ગાયકવાડ લખનઉ સામે ટોસ હારી ગયો હતો અને ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈની ઈનિંગ શરૂ થતાની સાથે જ ટીમે રહાણેના રૂપમાં ચાર રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ગાયકવાડે મેદાનમાં આવતા જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી અને ટીમને પાવરપ્લેમાં 49 રન સુધી પહોંચાડી હતી. ગાયકવાડે માત્ર 28 બોલમાં સાત ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.
શિવમ દુબે પણ છવાયો, 27 બોલમાં ફટકાર્યા 66 રન
ટીમના સ્કોરની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 12 ફોર અને ત્રણ સિક્સની મદદથી 108 રન, અજીંક્ય રહાણે એક રન, ડી.મિશેલે 10 બોલમાં 11 રન, રવિન્દ્ર જાડેજાએ 19 બોલમાં 16 રન, શિવમ દુબેએ 27 બોલમાં ત્રણ ફોર અને સાત સિક્સ સાથે 66 રન અને ધોનીએ એક બોલમાં અણનમ ચાર રન નોંધાવ્યા હતા. આ સાથે ચેન્નાઈએ નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 210 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનઉ તરફથી મેટ્ટ હેનરી, મોહસિન ખાન અને યશ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.