IPL 2024: આજે ચેન્નઈ હારનો બદલો લેવા ઉતરશે મેદાનમાં, લખનઉ સામે ચેપોકમાં થશે ટક્કર
CSK Vs LSG: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 39મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે ચેન્નઈ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.
ચેન્નઈ ઘરઆંગણે સતત ત્રણ મેચ જીત્યું
આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ છે. બંને ટીમોએ સામ-સામે છેલ્લી મેચ એપ્રિલની 19મીએ શુક્રવારે રમી હતી. લખનઉમાં રમાયેલી મેચમાં કેએલ રાહુલની કપ્તાનીવાળી એલએસજી ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. હવે આજે ચેન્નઈ તેના ઘરઆંગણે રમતું હોઇ વિશેષ કરીને ધોનીના ચાહકોની ગુંજ વચ્ચે આ મેચ રમાશે. ચેન્નઈ ઘરઆંગણે ત્રણ મેચ સતત જીત્યું છે.
પ્રભુત્વની હરિફાઇ
અગાઉની બંને વચ્ચેની મેચમાં કેપ્ટન કે.એલ. રાહુલ અને ડી કોક વચ્ચેની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારીની મદદથી લખનઉએ વિજય મેળવ્યો હતો. બંને ટીમના પોઈન્ટ ટેબલમાં આઠ-આઠ પોઈન્ટ હોવાના લીધે પણ બંને એકબીજા પર સરસાઈઅને માનસિક પ્રભુત્વ મેળવવા રમશે.
રહાણેની ધીમી રમત
ચેન્નઈએ જો વિજયી દેખાવ કરવો હશે તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દૂબેએ મોટો સ્કોર આક્રમકતા સાથે કરવો પડશે. કેમ કે રાચિન રવીન્દ્રનું ફોર્મ ચિંતા જન્માવનારૂ છે. રહાણેને ઓપનર તરીકે પ્રમોટ કરાય છે પણ તેનો પાવર પ્લેને અનુરૂપ સ્ટ્રાઈક રેટ નથી. તે વધુ ઓવરો ક્રીઝ પર રહે તો ચેન્નઈને નુકશાન થાય તેમ છે. રવીન્દ્ર જાડેજાએ છેલ્લી મેચથી બેટિંગ ફોર્મ પણ મેળવ્યું છે. તે ચેન્નઈ માટે સૌથી સુખદ બાબત છે.
ધોની પર આધાર
ગાયકવાડનું ફોર્મમાં હોવા છતાં ઓપનિંગમાં રહાનેને પ્રમોટ કરે છે અને પોતે વનડાઉન આવે છે તે રણનીતિ આગળ ધપાવવા જોખમી પણ પૂરવાર થાય તેમ છે. મોઈન અલી અને ધોની છેલ્લી પાંચ ઓવરમાં રમવા આવે તેવી રીતે ચેન્નઈ તેની ઇનિંગ સેટ કરે છે. લખનઉ સામે ચેન્નઈના બોલરો પહેલી મેચમાં પ્રભાવહીન રહ્યા હતા. ફાસ્ટ બોલર પથિરાના તેઓનો મુખ્ય સ્ટ્રાઈક બોલર છે. આ ઉપરાંત તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન અને દિપક ચાહરે વિશેષ કૌવત બતાવવું પડશે. સ્પિનમાં જોડાજા અને મોઈન અલી ખાસ એવા ભયજનક પૂરવાર નથી થયા.
લખનઉ સુપર જાયન્ટસ પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (C/WK), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.
ઈમ્પેક્ટ સબ: અરશિન કુલકર્ણી, કૃષ્ણપ્પા ગૌતમ, યુદ્ધવીર સિંહ, મણિમરણ સિદ્ધાર્થ, અરશદ ખાન.
ચેન્નઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ (C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (WK), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિશા પથિરાના.