IPL 2024 : આજે ધોનીના 'ધૂરંધરો' અને શાહરુખના 'રાઈડર્સ' વચ્ચે મુકાબલો, છગ્ગા-ચોગ્ગાનો ખડકલો સર્જાવાની શક્યતા
CSK vs KKR : IPL 2024ની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. આ મેચ ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. તેણે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી છે. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં CSKની ટીમ આ મેચ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે.
હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે આજે
ચેપોકની સ્લો પિચ પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે, કારણ કે બંને ટીમો પાસે જબરદસ્ત બેટિંગ લાઇનઅપ છે. આ મેદાન પર IPLની 78 મેચ રમાઈ છે અને અહીં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 164 રન અને બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 150 છે. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અહીં લગભગ 65 ટકા મેચ જીતે છે. 78 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 45 વખત જીત મેળવી છે અને બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમ 31 વખત જીતી છે. બે મેચનું પરિણામ આવી શક્યો ન હતો. ચેપોકની પિચ પર ફાસ્ટ બોલર્સ 60 ટકાથી વધુ વિકેટો લે છે, જ્યારે લગભગ 40 ટકા વિકેટ સ્પિનરોને મળે છે.
CSKનું રહ્યું છે પલડું ભારે
ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 28 વખત ટક્કર જોવા મળી છે. આ દરમિયાન ચેન્નઈએ 18 મેચ જીતી છે, જયારે કોલકાતાએ 9 મેચ પોતાના નામે કરી છે. 1 મેચ અનિર્ણિત રહી છે. આવી સ્થિતિમાં આજે ચેન્નઈ આ પ્રભુત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ (C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરિલ મિચેલ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમ.એસ ધોની (wkt), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી/શાર્દુલ ઠાકુર
કોલકાતા નાઈટ રાઈડર્સ
શ્રેયસ અય્યર (C), ફિલ સોલ્ટ (wkt), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી/નીતીશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા/વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી