‘ધોની વ્હીલચેરમાં હશે તો પણ CSK તેમને રમવા દેશે’ રોબિન ઉથપ્પાનું આશ્ચર્યજનક નિવેદન
ધોની માટે બેટિંગ સમસ્યા નથી, તે વિકેટકીપિંગ નહીં કરી શકે તો રિટાયરમેન્ટ લઈ લેશે : રોબિન ઉથપ્પા
IPL 2024 : 22 માર્ચથી ઈન્ડિયન પ્રિમીયર લીગની ધમાકેદાર શરૂઆત થાય તે પહેલા ધોનીની CSK ટીમના સભ્ય રોબિન ઉથપ્પાએ ધોની અંગે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ રમી ચુકેલા પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે, સીએસકે માટે ધોની ક્યાં સુધી રમશે અને કયા કારણોસર ધોની સંન્યાસ લેવા મજબૂર થશે.
ધોનીને વ્હીલચેરમાં પણ રમાડવા સીએસકે તૈયાર : ઉથપ્પા
વાસ્તવમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો સુકાની ધોની (MS Dhoni) ઘૂંટણની ઈજાઓથી પરેશાન હોવા છતાં આઈપીએલમાં સીએસકેની સુકાની કરવા સંપૂર્ણ તૈયાર છે. જોકે ટીમના સાથી રોબિત ઉથ્થપા (Robin Uthappa)એ કહ્યું કે, ‘ધોનીને વ્હીલચેરમાં પણ રમાડવા સીએસકે તૈયાર છે, જે સુકાનીના કદને દર્શાવે છે.’ ઉલ્લેખનીય છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઉપરાંત આઈપીએલનો પણ સફળ સુકાની માનવામાં આવે છે. ગત વર્ષે ધોનીને ઘૂંટણની ઈજાઓ થયા બાદ તેની સંન્યાસની અટકળો ચાલી હતી.
‘ઉંમરના કારણે ઘૂંટણ નબળા પડી રહ્યા છે, તેમણે કીપિંગ કરવું ગમે છે’
ધોનીના આરોગ્ય સંબંધી મુદ્દાઓ છતાં સીએસકે ટીમના સાથી રોબિન ઉથપ્પાનું માનવું છે કે, ‘ધોની ભલે વ્હીલચેરમાં હોય, સીએસકે તેમને રમવા દેશે! વ્હીલચેરથી ઉતર્યા, બેટીંગ કરી અને પરત આવ્યા... જોકે મને લાગે છે કે, તેમના માટે બેટીંગ કોઈ મુદ્દો નથી અને મને લાગતું પણ નથી કે, તેમના માટે પણ બોટીંગ કોઈ મુદ્દો હોય. મને લાગે છે કે, માત્ર મુદ્દો વિકેટકીપિંગનો જ હશે. ઉંમરના કારણે ઘૂંટણ નબળા પડી રહ્યા છે અને તેમણે કીપિંગ કરવું ગમે છે.’
‘ધોની વિકેટકીપિંગ નહીં કરી શકે તો...’
તેમણે કહ્યું કે, ‘જ્યારે તેઓ (ધોની) વિકેટકીપિંગ નહીં કરી શકે અને વિચારશે કે, તેઓ ત્યાં ઉભી રહીને ટીમ માટે કશું કરી શકતા નથી, ત્યારે કદાચ તેઓ આ કારણે રમતથી આગળ વધી જશે.’ આમ ઉથપ્પાનું માનવું છે કે, જ્યારે ધોની વિકેટકીપિંગ નહીં કરી શકે તો રિટાયરમેન્ટ લઈ લેશે. જોકે આઈપીએલ 2023ની ફાઈનલ બાદ ધોનીએ ચાહકોને કહ્યું હતું કે, તેઓ ફેન્સ માટે વધુ એક સિઝન રમશે. કદાચ આઈપીએલ-2024 જ આ સિઝન હોઈ શકે છે. આ ઉપરાંત ધોની જુલાઈમાં 43 વર્ષનો થઈ જશે. આ સાથે ઉંમર પણ એક કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આઈપીએલ-2024 ધોની માટે છેલ્લી હોઈ શકે છે.
ગત વર્ષે જીત બાદ ધોનીએ કહ્યું હતું, ‘હજુ એક સિઝન રમીશ’
ગત વર્ષે આઈપીએલ-2023માં સીએસકેનો ધમાકેદાર વિજય થયા બાદ ધોનીએ 2004મી સિઝનમાં રમવાની અટકળોને ફગાવી દીધી હતી. આ એક વર્ષ દરમિયાન ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી અને રિકવરીમાંથી પસાર થયો હતો. પરંતુ વિકેટકીપર બેટ્સમેન આ વર્ષની ટૂર્નામેન્ટમાં રમવા માટે ફીટ છે, પરંતુ આ સિઝન બાદ તે રમશે કે તેના સ્થાને અન્ય ખેલાડીને એન્ટ્રી મળશે, તે અંગે કહેવું અનિશ્ચિત દેખાઈ રહ્યું છે.