IPL Auction 2024 : આ 10 ખેલાડીઓ થઈ શકે છે માલામાલ, હરાજીમાં દરેક ટીમ ખરીદવાનો કરશે પ્રયત્ન
IPL 2024 માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરમાં યોજાશે
IPL Auction Big Names : IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનાર ખેલાડીઓની લીસ્ટ સામે આવામાં વધુ સમય બાકી રહ્યો નથી. થોડા જ દિવસોમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીની આ લીસ્ટ સામે હશે અને ડિસેમ્બરમાં યોજાનાર હરાજીની તૈયારીઓ શરુ થઇ જશે. આ હરાજીમાં 10 ખેલાડીઓ એવા પણ હશે જે આ બંને લીસ્ટનો ભાગ નહી હોય પરંતુ IPL 2024ની હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવશે.
1. ટ્રેવિસ હેડ
ODI World Cup 2023ના સેમિફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ટ્રેવિસ હેડને IPL 2024માં પોતાની ટીમમાં સામેલ કરવા માટે દરેક ફ્રેન્ચાઈઝી પ્રયત્ન કરશે. મોટી મેચોમાં હેડ પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા વિરોધી ટીમના બોલિંગ અટેકને વિધ્વંસ કરી નાખે છે.
2. મિચેલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અગાઉ IPL રમી ચુક્યો છે. આ વખતે તેના ફરી IPLમાં ભાગ લેવાની ચર્ચા થઇ રહી છે. જો સ્ટાર્ક IPLની હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવે છે તો તે ચોક્કસપણે આ સિઝનના સૌથી મોંઘા ફાસ્ટ બોલરોમાંથી એક બની શકે છે.
3. દિલશાન મદુશંકા
શ્રીલંકા ટીમના આ ફાસ્ટ બોલરે ODI World Cup 2023ની 9 મેચોમાં 21 વિકેટ ઝડપી હતી. તે ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની લીસ્ટમાં ત્રીજા નંબરે હતો. મદુશંકાને IPL હરાજીમાં સારી કિંમત મળી શકે છે.
4. અઝમતુલ્લા ઓમરઝાઈ
અફઘાનિસ્તાનના આ યુવા ઓલરાઉન્ડરે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઓમરઝાઈએ ODI World Cup 2023ની 9 મેચોમાં 353 રન બનાવ્યા હતા અને 7 વિકેટ પણ ઝડપી હતી.
5. ગેરાલ્ડ કોએત્ઝી
ગેરાલ્ડ કોએત્ઝીનું નામ ODI World Cup 2023ના ટોપ-5 વિકેટ ટેકરની લીસ્ટમાં સામેલ હતું. તેણે 8 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. તેણે સાઉથ આફ્રિકા માટે વિકેટ ઝડપી ટીમને સેમિફાઈનલ સુધી પહોંચવામાં મદદ કરી હતી.
6. રચિન રવિન્દ્ર
ન્યુઝીલેન્ડના આ યુવા સ્ટારે ODI World Cup 2023 દરમિયાન ધૂમ મચાવી હતી. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં તે એકથી ચાર નંબરની વચ્ચે ફરતો રહ્યો હતો. 10 મેચમાં તેણે 64.22ની એવરેજથી 578 રન બનાવ્યા હતા. તે સ્પિનનો સામનો પણ વધુ સારી રીતે કરી શકે છે. બોલિંગમાં પણ તે વિકેટ લેવામાં માહેર છે.
7. બાસ ડી લીડે
નેધરલેન્ડ્સના આ ઓલરાઉન્ડરે પણ ODI World Cup 2023માં પોતાની બેટિંગ અને બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ODI World Cup 2023 દરમિયાન 9 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.
8. ડેવિડ મલાન
ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર ડેવિડ મલાને ODI World Cup 2023માં કેટલાક અવસર પર વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જો કે તે ખૂબ જ સારા ફોર્મમાં છે અને તે T20માં વિરોધી ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગત વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો પરંતુ આ વખતે તેને સારી રકમ મળવાની શક્યતાઓ છે.
9. પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન પેટ કમિન્સ IPL 2023માં ટુર્નામેન્ટની વચ્ચે પોતાની ટીમથી અલગ થઇ ગયો હતો. અંગત કારણોસર તેને કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો પડ્યો હતો. તે આ વખતે ફરીથી હરાજીમાં ભાગ લઈ શકે છે. જો આવું થાય છે તો તેમના પર પૈસાનો વરસાદ થઈ શકે છે.
10. સદીરા સમરવિક્રમા
શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટ્સમેન સદીરા સમરવિક્રમાએ ODI World Cup 2023માં 53ની એવરેજ અને 100થી વધુના સ્ટ્રાઈક રેટથી 373 રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પણ આ IPL હરાજીમાં સારી કિંમત મળી શકે છે.