IPL 2024: દિનેશ કાર્તિક બાદ શિખર ધવન લઇ રહ્યો છે રિટાયરમેન્ટ? આપ્યા આ સંકેત
Sikhar Dhawan Retirement : ક્રિકેટ જગતમાંથી થોડા દિવસો પહેલાં જ દિનેશ કાર્તિકે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હવે શિખર ધવન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિખર ધવનની નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે દિનેશ કાર્તિકની નિવૃત્તિ બાદ શિખર ધવન ટૂંક સમયમાં ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. પરંતુ શું શિખર ધવન ખરેખર ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે?
ભારતીય ટીમના અનુભવી ઓપનર શિખર ધવને કહ્યું કે, 'હું પરિવર્તનના એક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું જ્યાં મારી ક્રિકેટ કરિયર રુકી જશે અને ટૂંક સમયમાં મારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે. તમારી રમવા માટે ચોક્કસ ઉંમર છે, તે મારા માટે 1 વર્ષ, 2 વર્ષ અથવા XYZ હોઈ શકે છે. કમનસીબે હું આ સિઝનમાં IPLમાં બહુ ઓછી મેચો રમી શક્યો છું, ok થવામા સમય લાગે છે... હું હજુ પણ સ્વસ્થ થઈ રહ્યો છું, હું સંપૂર્ણ રીતે ફિટ નથી.'
મહત્વનું છેકે, શિખર ધવન ઘણા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી. શિખર ધવન છેલ્લે ટીમ ઈન્ડિયા તરફથી 2022માં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. આ પછી ભારતીય ટીમ માટે શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઓપનરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત તે IPLમાં ઈજાથી પણ ઝઝૂમી રહ્યો છે.
ઈજાના કારણે બાકીની મેચો રમી શક્યો ન હતો
શિખર ધવન IPLની આ સિઝનમાં માત્ર 5 મેચ જ રમી શક્યો હતો. શિખર ધવનની ગેરહાજરીમાં સેમ કુરન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. IPL 2024માં ધવન કંઈ ખાસ બતાવી શક્યો નથી. આ સિઝનમાં તે માત્ર પાંચ મેચમાં જોવા મળ્યો હતો. જેમાં 125.62ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા. ઈજાના કારણે તે બાકીની મેચોનો ભાગ બની શક્યો ન હતો. હવે શિખર ધવને સંકેત આપ્યો છે કે, તે ટૂંક સમયમાં તેની કારકિર્દીને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જો કે, પંજાબ કિંગ્સના સુકાનીએ સ્પષ્ટ કર્યું નથી કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ચર્ચા કરી રહ્યો છે કે, પછી IPLમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે.