Get The App

IPL 2024 : ગિલ સામે હાર્દિક ફેલ! રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈને હરાવ્યું

હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
IPL 2024 : ગિલ સામે હાર્દિક ફેલ! રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈને હરાવ્યું 1 - image
Image:IANS

IPL 2024 GT vs MI : અમદાવાદ ખાતે IPL 2024ની પાંચમી મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. ગુજરાત માટે ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં 19 રન બચાવ્યા અને બે બેટરોને પેવેલિયન મોકલ્યા, જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. હાર્દિકે પહેલા બે બોલમાં 10 રન બનાવીને મેચ લગભગ મુંબઈના ખાતામાં નાખી દીધી હતી, પરંતુ પછી ત્રીજા બોલ પર ઉમેશે તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાત મેચ હારી ગયું છે અને મુંબઈ સરળતાથી જીતી જશે. ગુજરાતના બોલરોએ મુંબઈના બેટરો સામે જબરદસ્સ્ત બોલિંગ કરી હારેલી મેચમાં જીત મેળવી હતી. મુંબઈ સતત 12મી સિઝનમાં IPLની તેની પ્રથમ મેચ હાર્યું હતું. વર્ષ 2013 બાદ પ્રથમ મેચમાં મળેલી હાર મુંબઈનો પીછો નથી છોડી રહી.

પંડ્યાએ ટોસ જીતી બોલિંગનો નિર્ણય લીધો

હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 168 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને ગુજરાત માટે 39 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ દરમિયાન બુમરાહે મુંબઈ તરફથી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલ પર મુંબઈએ ઈશાન કિશનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, અઝમતુલ્લાએ ઇશાનને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત કર્યો હતો. ત્યારબાદ મુંબઈએ નમન ધીરના રૂપમાં ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બીજી વિકેટ ગુમાવી હતી. નમન ધીરે 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.

MIના પૂર્વ કેપ્ટનની શાનદાર ઇનિંગ

મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 77 રનની શાનદાર અને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી મુંબઈનો સ્કોર 100ને પાર કરી ગયો હતો. મુંબઈને ત્રીજો ઝટકો 13મી ઓવરમાં 107 રનના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. પૂર્વ કેપ્ટને 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ ભાગીદારી મુંબઈ માટે કોઈ કામ આવી શકી ન હતી.

ડેવાલ્ડ બ્રેવિસના રૂપમાં મુંબઈને લાગ્યો ચોથો ઝટકો

મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ત્યારબાદ ચોથો ઝટકો ડેવાલ્ડ બ્રેવિસના રૂપમાં લાગ્યો હતો, જે મોહિત શર્માના હાથે આઉટ થયો હતો. બ્રેવિસ 38 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મુંબઈએ 18મી ઓવરમાં ટિમ ડેવિડના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી, ડેવિડે 10 બોલમાં 11 રન બનાવ્યા. આ પછી 19મી ઓવરમાં MIએ તિલક વર્માના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી, જે 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 બોલમાં 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ગુજરાતના બોલરોનું શાનદાર પ્રદર્શન

આ પછી 19મી ઓવરમાં ગેરાલ્ડ કોએત્ઝી 1 રન બનાવીને આઉટ થયો હતો, જેને સ્પેન્સર જોન્સને આઉટ કર્યો હતો. ત્યારબાદ 20મી ઓવરના ત્રીજા બોલ પર મુંબઈની છેલ્લી આશા કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થયો હતો. હાર્દિકે 4 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારીને 11 રન બનાવ્યા હતા. આ પછી પિયુષ ચાવલા આગલા બોલ પર ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો. ગુજરાત તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા અને ઉમેશ યાદવે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય સાંઈ કિશોરને એક વિકેટ મળી હતી.

IPL 2024 : ગિલ સામે હાર્દિક ફેલ! રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈને હરાવ્યું 2 - image


Google NewsGoogle News