IPL 2023: મહેન્દ્રસિંહ ધોની જ હશે CSKના કેપ્ટન
- IPL 2022 સીઝનમાં ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીમાં થોડો ફેરફાર થયો હતો, ધોનીએ પોતે જ રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી
નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર 2022, રવિવાર
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. આશરે 2 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહ્યા છે. ત્યારે ચાહકોના મનમાં સતત એક સવાલ થઈ રહ્યો હતો કે, ધોની આગામી સીઝન માટે રમશે કે નહીં?
ઉપરાંત ધોની જો IPL 2023 માટે રમે તો પણ તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના કેપ્ટન તરીકે બની રહેશે કે નહીં તે પણ એક સવાલ હતો. જોકે હવે આ તમામ સવાલોનો જવાબ સામે આવી ગયો છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ આગામી સીઝનમાં પણ ધોની જ કેપ્ટનશીપ કરતા જોવા મળશે તે સ્પષ્ટ કરી દીધું છે.
ચેન્નાઈ ટીમના CEO કાશી વિશ્વનાથે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની જ આગામી IPL સીઝનમાં ચેન્નાઈ ટીમના કેપ્ટન હશે. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો.
પાછલી સીઝનમાં જાડેજાને સોંપી હતી કેપ્ટનશીપ
IPLની શરૂઆત 2008થી થઈ હતી. ધોની પહેલી સીઝનથી જ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. જોકે પાછલી એટલે કે, IPL 2022 સીઝનમાં ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીમાં થોડો ફેરફાર થયો હતો. તેમણે પહેલી વખત ધોનીને કેપ્ટન પદેથી દૂર કર્યા હતા. ધોનીએ પોતે જ રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી. જોકે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ ટીમે શરૂઆતની 8માંથી માત્ર 2 જ મેચ જીતી હતી. સાથે જ જાડેજાના પરફોર્મન્સ પર પણ અસર પડી રહી હતી. તેઓ બેટિંગ અને બોલિંગ એમ બંનેમાં ફ્લોપ સાબિત થઈ રહ્યા હતા. આખરે જાડેજાએ પોતે જ કેપ્ટનશીપમાંથી રાજીનામુ આપીને ધોનીને ફરી કમાન સોંપી દીધી હતી.