22 માર્ચથી શરૂ થશે IPLની 17મી સિઝન! ચેરમેન અરુણ ધૂમલે આપ્યું મોટું અપડેટ
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાશે
IPL Schedule : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ના શેડ્યૂલને લઈને ચેરમેન અરુણ ધૂમલે મોટું અપડેટ આપ્યું છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે અને સમગ્ર એડિશન ભારતમાં જ રમાશે. જો લોકસભા ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાય તો ટુર્નામેન્ટને ભારતની બહાર ખસેડવામાં આવે એવી શક્યતા હતી. પરંતુ લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે ટુર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ આયોજિત કરવામાં આવશે તેવી માહિતી આપી છે. ચૂંટણી એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે, તેથી જ IPLની 17મી સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અરુણ ધૂમલે કહ્યું કે, “પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે અને બાકીની મેચોની તારીખો ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નક્કી કરવામાં આવશે.”
આવતા મહિનાની શરૂઆતમાં લોકસભા ચૂટણીની તારીખો થઇ શકે જાહેર
લોકસભા ચૂટણીની તારીખો આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થઇ શકે છે. અરુણ ધૂમલે કહ્યું, “અમે 22મી માર્ચથી ટુર્નામેન્ટ શરૂ કરી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને પહેલા પ્રારંભિક શેડ્યૂલ જાહેર કરીશું. આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.” જણાવી દઈએ કે વર્ષ 2009માં સંપૂર્ણ ટુર્નામેન્ટ વિદેશોમાં રમાઈ હતી. જયારે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીના કારણે કેટલીક મેચો યુએઈમાં રમાઈ હતી. જો કે વર્ષ 2019માં ચૂંટણી હોવા છતાં, ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ હતી.
IPLની ઉદઘાટન મેચ ગયા વર્ષના ફાઇનલિસ્ટ વચ્ચે રમાશે
પરંપરા મુજબ IPLની ઉદઘાટન મેચ ગયા વર્ષના ફાઇનલિસ્ટ વચ્ચે રમાશે. ગયા વર્ષના વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને રનર અપ ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ખેલાડીઓની હરાજી યોજાઈ હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.