ઓલિમ્પિકમાં ભારતને શર્મિંદગી, પેરિસ છોડવા આદેશ કરાતાં અંતિમ પંઘાલે VIDEO દ્વારા કરી સ્પષ્ટતા
Image : IANS (File photo) |
Antim Panghal: ભારત માટે પેરિસ ઓલિમ્પિકથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં યુવા પહેલવાન અંતિમ પંઘાલ અને તેમની બહેનને તાત્કાલિક પેરિસ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમ કે આ યુવા પહેલવાને સ્પોર્ટ્સ વિલેજમાંથી તેનું અંગત સામાન લેવા માટે પોતાનો સત્તાવાર ઓળખ કાર્ડ પોતાની નાની બહેનને આપી દેવાનો આરોપ છે. સુરક્ષાકર્મીઓએ તેની બહેનને પકડી લીધી હતી.
મામલો શું છે?
અંતિમ પંઘાલ મહિલાઓની 53 કિગ્રા કેટેગરીમાં તેની પહેલી મેચ હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકથી બહાર થઈ ગઈ હતી અને હોટેલ જતી રહી જ્યાં તેના નોમિનેટેડ કોચ ભગત સિંહ અને વાસ્તવિક કોચ વિકાસ પણ રોકાયેલા હતા. અંતિમ પંઘાલે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જઈને તેનું સામાન લઈ આવવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક પછી એક બે ઝટકા, વિનેશ બાદ આ ખેલાડી પણ મેડલ ચૂકી
પોલીસ સ્ટેશનેથી તેડું
તેની બહેન સ્પોર્ટ્સ વિલેજમાં ઘૂસવામાં સફળ તો થઇ પણ બહાર નીકળતી વખતે સુરક્ષાકર્મીઓએ તેને પકડી પાડી હતી. તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવી હતી અને 19 વર્ષીય જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન અંતિમ પંઘાયલને પણ પોલીસે નિવેદન નોંધાવવા બોલાવી હતી. આટલું જ નહીં અંતિમના અંગત સ્ટાફ વિકાસ અને ભગત કથિતરૂપે નશાની હાલતમાં કેબમાં ફરી રહ્યા હતા અને તેમણે ભાડું ચૂકવવા ઈનકાર કરી દીધો હતો જેના બાદ ડ્રાઈવરે પોલીસ બોલાવી હતી. આઈઓએના સૂત્રોએ કહ્યું કે અમે હાલ આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
અંતિમ પંઘાલનું આ મામલે શું કહેવું છે?
પહેલવાન અંતિમ પંઘાલે વિવાદિત ઘટના બાદ પોતાનો વીડિયો જારી કરી કહ્યું છે કે, મુકાબલો હાર્યા બાદ તેની તબિયત અચાનક લથડી જતાં તે પરવાનગી લઈ હોટલ જતી રહી હતી. ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેણે પોતાનો સામાન લેવા પોતાની બહેનને વિલેજ મોકલી હતી. જેના માટે અક્રેડિટેશન કાર્ડ આપ્યું હતું. તેની બહેનને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તે માત્ર વેરિફિકેશન પ્રક્રિયા હતી. અંતિમના કોચે પણ અંતિમનો પક્ષ લેતાં જણાવ્યું કે, ભાષાની સમસ્યાને કારણે કેબવાળા સાથે બોલાચાલી થઈ હતી. અંતિમે અપીલ કરી હતી કે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, મીડિયા અને જનતાને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.
આ પણ વાંચો : આ મહિલા સ્વિમર માટે સુંદરતા શ્રાપ સાબિત થઈ, ઓલિમ્પિકમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ