પૂર્વ પાક. ક્રિકેટરે ભારત પર લગાવ્યો ચીટિંગનો આરોપ, કહ્યું- અર્શદીપે બોલ સાથે કશુંક તો કર્યું!
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ (T20 World Cup 2024)માં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડની ટીમ (IND vs ENG semi final) સાથે થશે.
પાકિસ્તાની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. હવે તેનાં પૂર્વ ક્રિકેટરો દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ પર એલફેલ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. આ જો કે કોઈ નવી ઘટના નથી. આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. વન ડે વર્લ્ડકપ 2023માં જ્યારે મોહમ્મદ શમીના બોલ ગજબ સ્વિંગ થઈ રહ્યા હતા અને એકપછી એક વિકેટો લઈ રહ્યો હતો ત્યારે પૂર્વ ક્રિકેટર હસન રઝાએ કહ્યું હતું કે. 'શમીના બોલમાં ચિપ છે!'
T20 વર્લ્ડકપ 2024માં ફરીથી આ પ્રકારની ઘટના બની છે જેમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે એક ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ' ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો બોલ 15મી ઓવરમાં રિવર્સ સ્વિંગ થવા માંડ્યો હતો. આ ખૂબ વહેલા કહેવાય. મારે અમ્પાયર્સને કહેવું છે કે આ તરફ પણ ધ્યાન દો. બોલ સાથે કઇંક ગંભીર પ્રકારનું કામ થયું છે.' ઇન્ઝમામ ઉલ હક સાથે આ ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં સલીમ મલિક પણ હાજર હતા જે પોતે પણ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન રહી ચૂક્યા છે. તેણે પણ કહ્યું હતું કે, 'અમુક ટીમોની આંખો બંધ હોય છે અને એમાંથી એક ભારત પણ છે.
T20 વર્લ્ડકપમાં ભારતે તેની સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ને હરાવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી હતી.
24 જૂને રમાયેલી આ સુપર-8 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેનો બોલ ઘણો સ્વિંગ થઈ રહ્યો હતો. જેના કારણે બાદમાં પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર્સે ભારતીય બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ પાક. કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક અને સલીમ મલિકે મેચમાં ભારતીય બોલર અર્શદીપ સિંહને મળેલા રિવર્સ સ્વિંગની વાત કરતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.