Get The App

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતના આ ચાર ક્રિકેટરને પણ મળ્યું સ્ક્વોડમાં સ્થાન

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતના આ ચાર ક્રિકેટરને પણ મળ્યું સ્ક્વોડમાં સ્થાન 1 - image


T20 World Cup 2024 India’s squad : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે T20 વર્લ્ડ કપ માટે ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે, જેમાં ટીમમાં ગુજરાતના ચાર ક્રિકેટરોને સ્થાન અપાયું છે. આ ટીમનું નેતૃત્વ પણ ફરી રોહિત શર્માને જ સોંપવામાં આવ્યું છે. આ સાથે રિષભ પંતને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. 

કોને કોને મળ્યું ટીમમાં સ્થાન 

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

હાર્દિકને મોટી જવાબદારી, કોણ-કોણે ચોંકાવ્યાં 

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ લાંબી ચર્ચા અને મંથન બાદ ટીમની જાહેરાત કરી હતી. ચીફ સિલેક્ટર અજિત અગરકરના નેતૃત્વ હેઠળની નેશનલ સિલેક્શન કમિટીએ અનેક ખેલાડીઓના નામ પર ચર્ચા કરી હતી. છેવટે 15 ખેલાડીઓના નામ ફાઈનલ કરાયા હતા. જેમાં હાર્દિક પંડ્યા જે હાલમાં IPLમાં ખરાબ ફોર્મમાં દેખાઈ રહ્યો છે તેનો પણ સમાવેશ કરાયો હતો અને આ સાથે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેને ટીમનો વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. આ સાથે નવા ચહેરા અને યુવાઓની સ્ક્વૉડમાં શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અક્ષર પટેલ અને ચહલનો સમાવેશ કરાયો હતો. જ્યારે શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોને કોને ન મળ્યું સ્થાન...? 

જે ખેલાડીઓને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ટોચે નામ છે કે.એલ. રાહુલનું. જ્યારે મોહમ્મદ શામી જે ઈજાને કારણે આઈપીએલમાં પણ રમી શક્યો નથી તેનું પણ આ યાદીમાં નામ સામેલ નથી. આ સાથે દિનેશ કાર્તિકના નામની પણ ચર્ચા થઇ રહી હતી. પરંતુ હવે તેને પણ આ ટીમમાં સ્થાન ન મળતાંં ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.     

ગુજરાતના ચાર ખેલાડીને ટીમમાં સ્થાન

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં ગુજરાતના જે ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, તેમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. હાર્દિક, અક્ષર અને જાડેજાને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે જ્યારે બુમરાહને બોલર તરીકે સ્થાન અપાયું છે. હાર્દિક T20 વર્લ્ડ કપમાં પણ વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.  

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતના આ ચાર ક્રિકેટરને પણ મળ્યું સ્ક્વોડમાં સ્થાન 2 - image


Google NewsGoogle News