ભારતનો નાલેશીભર્યો ધબડકો, 46માં ખખડયું
- ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શરમજનક બેટિંગ : ઘરઆંગણનો લોએસ્ટ સ્કોર
- એશિયામાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ
- કોહલી સહિતના પાંચ બેટ્સમેનો ખાતું પણ ખોલાવી ન શક્યા : પંત (20) અને જયસ્વાલે (13) જ બે આંકડાના સ્કોર નોંધાવ્યો : હેનરીની 15 રનમાં પાંચ વિકેટ : ન્યુઝીલેન્ડના ત્રણ વિકેટે 180
બેંગાલુરુ : ભારતના સુપરસ્ટાર બેટસમેનોએ ન્યુઝીલેન્ડના ક્વોલિટી બોલિંગ આક્રમણ સામે વરસાદી વાતાવરણમાં અત્યંત શરમજનક ધબડકો કરતાં યજમાન ટીમ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૩૧.૨ ઓવરમાં માત્ર ૪૬ રનમાં જ ખખડી ગઈ હતી. ભારતે આ સાથે એશિયામાં સૌથી નિમ્ન સ્કોરનો કલંકિત રેકોર્ડ સર્જ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટેસ્ટ ઈતિહાસનો ઘરઆંગણાનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ નોંધાયો હતો. કોહલી-રાહુલ અને સરફરાઝ સહિતના પાંચ બેટસમેનો તો ખાતું પણ ખોલાવી શક્યા નહતા. ભારતની ઈનિંગમાં માત્ર પંત (૨૦) અને જયસ્વાલ (૧૩) જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. હેનરીએ ૧૫ રનમાં પાચ અને ઓ'રોઉર્કેએ ૨૨ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
ચાહકો ભારતીય ટીમના આઘાતજનક દેખાવમાંથી બહાર આવે તે પહેલા જ કોન્વેએ ૯૧ રનની ઈનિંગને સહારે પ્રથમ દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડને ત્રણ વિકેટે ૧૮૦ના સ્કોર સુધી પહોંચાડી દીધું હતુુ. રમતના અંતે રાચિન રવિન્દ્ર ૨૨ અને ડેરૈલ મિચેલ ૧૪ રને ક્રિઝ પર હતા. ન્યુઝીલેન્ડે આ સાથે પ્રથમ ઈનિંગમાં ૧૩૪ રનની સરસાઈ હાંસલ કરી લીધી છે. નોંધપાત્ર છે કે, ભારે વરસાદના કારણે પ્રથમ દિવસે ટોસ પણ ઉછાળી શકાયો નહતો. બીજા દિવસે પણ ભારતનો સ્કોર ૧૨.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩ રનનો સ્કોર હતો, ત્યારે વરસાદે થોડો સમય રમત અટકાવી હતી.
ભારતીય બેટ્સમેનોનો અત્યંત નિરાશાજનક દેખાવ
કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને વરસાદી વાતાવરણ છતાં ટીમમાં ત્રણ સ્પિનરોને સામેલ કર્યા હતા. ન્યુઝીલેન્ડના ફાસ્ટર સાઉથી અને ઓ'રોઉર્કેએ આક્રમક શરૂઆત કરી હતી. સાઉથીએ રોહિત (૨)ને બોલ્ડ કર્યો હતો. ઓ'રોઉર્કેએ કોહલી (૦)ને ફિલિપ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો અને સરફરાઝ(૦) હેનરીની બોલિંગમાં કોન્વેના હાથે ઝિલાયો હતો. ફિલિપ્સ અને હેનરીએ અસાધારણ કેેચ ઝડપ્યા હતા.
પંત-જયસ્વાલ વચ્ચે ૨૧ રનની ભાગીદારી
ભારત તરફથી સર્વોચ્ચ ૨૧ રનની ભાગીદારી પંત (૨૦) અને જયસ્વાલ (૧૩) વચ્ચે ચોથી વિકેટમાં નોંધાઈ હતી. જે ભારતની ઈનિંગની સર્વોચ્ચ હતી. ઓ'રોઉર્કેએ જયસ્વાલને આઉટ કરતાં આ ભાગીદારી તોડી હતી, જે પછી તેણે રાહુલ (૦)ને પણ આઉટ કર્યો હતો. હેનરીએ જાડેજા (૦), અશ્વિન(૦) અને પંત (૨૦)ને આઉટ કરતાં ભારતને આકરો ફટકો પહોંચાડયો હતો. રો'ઉર્કેએ બુમરાહ (૧)ને અને હેનરીએ કુલદીપ (૨)ને આઉટ કરતાં ભારતની ઈનિંગ લંચ બાદ ૩૧.૨ ઓવરમાં ૪૬માં જ સમેટાઈ ગઈ હતી.
ભારતને ભારે પડી તે જ પીચ ન્યુઝીલેન્ડને ફળી!
ભારતીય બેટ્સમેનોએ જે પીચ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરતાં-કરતાં વિકેટો ગુમાવી હતી, તે જ પીચ ન્યુઝીલેન્ડને જાણે તેના ઘરઆંગણાના મેદાનની જેમ ફળી હતી. કોન્વેએ ૧૦૫ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૯૧ રન ફટકાર્યા હતા. તેણે લાથમ (૧૫) સાથે ૬૭ અને યંગ (૩૩) સાથે ૭૫ રનની ભાગીદારી કરી હતી. કુલદીપે લાથમને અને જાડેજાએ યંગને આઉટ કર્યો હતો. અશ્વિને કોન્વેને આઉટ કરતાં ભારતને મેચમાં પાછા ફરવાની આશા જન્માવી હતી.
વિશ્વનો સૌથી નિમ્ન સ્કોર
ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામેની ૧૯૫૫માં ઓકલેન્ડમાં રમાયેલી ટેસ્ટમાં ૨૭ ઓવરમાં માત્ર ૨૬ રનમાં ખખડયું હતુ, જે ટેસ્ટ ઈતિહાસનો ઑવરઑલ સૌથી નિમ્ન સ્કોર છે. જ્યારે ભારતનો સૌથી ઓછોે સ્કોર ૩૬ રન છે, જે ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટમાં નોંધાયો હતો.
ભારતનો ન્યુઝીલેન્ડ સામે બેંગાલુરુમાં નોંધાયેલો ૪૬ રનનો સ્કોર વિશ્વમાં ૧૮માં ક્રમે છે. ૧૯૯૪ની પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં વિન્ડિઝ સામે ઈંગ્લેન્ડ પણ ૪૬માં જ ખખડયું હતુ.
ભારતનો ધબડકો
સ્કોર |
આઉટબેટ્સમેન(રન) |
ઓવર |
૯/૧ |
રોહિત(૨) |
૬.૩ |
૯/૨ |
કોહલી (૦) |
૮.૬ |
૧૦/૩ |
સરફરાઝ(૦) |
૯.૪ |
૩૧/૪ |
જયસ્વાલ (૧૩) |
૨૦.૫ |
૩૩/૫ |
રાહુલ (૦) |
૨૨.૪ |
૩૪/૬ |
જાડેજા (૦) |
૨૩.૫ |
૩૪/૭ |
અશ્વિન (૦) |
૨૩.૬ |
૩૯/૮ |
પંત (૨૦) |
૨૫.૩ |
૪૦/૯ |
બુમરાહ (૧) |
૨૬.૨ |
૪૬/૧૦ |
કુલદીપ(૨) |
૩૧.૨ |
એશિયાની ભૂમિ પર સૌથી ઓછા સ્કોર
સ્કોર |
દેશ-હરિફ |
સ્થળ |
વર્ષ |
૪૬ |
ભારત-ન્યુઝી. |
બેંગાલુરુ |
૨૦૨૪ |
૫૩ |
વિન્ડિઝ-પાક. |
ફૈઝલાબાદ |
૧૯૮૬ |
૫૩ |
પાક.-ઓસી. |
શારજાહ |
૨૦૦૨ |
૫૯ |
પાક.-ઓસી. |
શારજાહ |
૨૦૦૨ |
૬૨ |
બાંગ્લા.-શ્રીલંકા |
કોલંબો |
૨૦૦૭ |
૬૨ |
ન્યુઝી.-ભારત |
વાનખેડે |
૨૦૨૧ |
૭૦ |
ન્યુઝી.-પાક. |
ઢાકા |
૧૯૫૫ |
૭૧ |
શ્રીલંકા-પાક. |
કેન્ડી |
૧૯૯૪ |
૭૨ |
ઈંગ્લેન્ડ-પાક. |
અબુધાબી |
૨૦૧૨ |
ભારતના ઘરઆંગણાના નિમ્ન સ્કોર
સ્કોર |
હરિફ |
સ્થળ |
વર્ષ |
૪૬ |
ન્યુઝીલેન્ડ |
બેંગાલુરુ |
૨૦૨૪ |
૭૫ |
વિન્ડિઝ |
દિલ્હી |
૧૯૮૭ |
૭૬ |
સાઉથ આફ્રિકા |
અમદાવાદ |
૨૦૦૮ |
૮૩ |
ઈંગ્લેન્ડ |
ચેન્નાઈ |
૧૯૭૭ |
૮૩ |
ન્યુઝીલેન્ડ |
મોહાલી |
૧૯૯૯ |