IND vs NZ: 36 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો, ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં ભારતનો ઘરઆંગણે પરાજય
IND vs NZ, 1st Test Match : બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવી દીધું છે. જો કે 107 રનના લક્ષ્યનો પીછો કરતા કિવી ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતના સેશનમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે કિવિ બેટરોને તેમની સ્વિંગ બોલિંગથી ખૂબ પરેશાન કર્યા હતા. પહેલી ઇનિંગમાં ઓછા સ્કોરને કારણે પણ ભારતને ઘણું નુકસાન થયું હતું. આ ટેસ્ટ મેચ જીતીને ન્યૂઝીલેન્ડ 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 46ના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા પહેલી ઇનિંગમાં 402 રન કર્યા હતા. જેથી કરીને ટીમને 356 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 462 રન બનાવ્યા હતા અને. 106 રનની લીડ મેળવી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 27.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 107 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડને જે બે આંચકા લાગ્યા તેમાં કેપ્ટન ટોમ લાથમની 0 પર પહેલી વિકેટ અને ડેવોન કોનવેની 17 રને બીજી વિકેટ ગઈ હતી. રચિન રવિન્દ્ર 39 રન અને વિલ યંગ 45 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંને વચ્ચે 72 રનની અણનમ ભાગીદારી થઈ હતી.ભારતના ઘરઆંગણે ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટ જીતી છે. 36 વર્ષ બાદ કિવી ટીમે ભારતમાં ટેસ્ટ જીતી છે. અગાઉ સન 1988માં જોન રાઈટની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડે વાનખેડે ખાતે ભારતને 136 રને હરાવ્યું હતું. આ સાથે જ ટેસ્ટમાં ભારતની સતત જીતનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો. આ મેચ પહેલા ભારતે ઘરઆંગણે સતત છ ટેસ્ટ મેચ જીતી હતી.
આ પણ વાંચો : VIDEO : પંતને આઉટ થતાં બચાવવા માટે સરફરાઝે જે કર્યું તે જોઈ આખી ટીમ હસવા લાગી
છેલ્લે હૈદરાબાદમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 28 રનથી હરાવ્યું હતું. આ પછી ભારતે સતત છ મેચ જીતી હતી. હવે આ ટ્રેન્ડ તૂટી ગયો છે. એટલું જ નહીં 24 વર્ષ પછી કોઈ મેહમાન ટીમે ભારતમાં 100+ રનનો લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. છેલ્લી વખત આવું વર્ષ 2000માં થયું હતું. ત્યારપછી દક્ષિણ આફ્રિકાએ વાનખેડેમાં ભારત સામે 164 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હવે બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.