ભારતનો ભવ્યાતિભવ્ય વિજય : પાક. ક્લીન બોલ્ડ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ભારતનો ભવ્યાતિભવ્ય વિજય : પાક. ક્લીન બોલ્ડ 1 - image


- વર્લ્ડ કપમાં ભારત આઠમી વાર પાકિસ્તાન સામે જીત્યું : હજુ એક પણ હાર્યું નથી

- 30.3 ઓવરમાં જ ભારતે 192 રનનો ટાર્ગેટ પાર પાડી ચાહકોને અચરજમાં મૂકી દીધા : પોઇન્ટ ટેબલમાં ભારત ટોપ પર

- રોહિત શર્માના 6 ચોગ્ગા, 6 છગ્ગા સાથે ૬૩ બોલમાં 86 : પેસ અને સ્પિન બોલરોનો તરખાટ

- પાકિસ્તાને આખરી આઠ વિકેટો ૩૬ રનમાં ગુમાવી શરમજનક ધબડકો કર્યો

અમદાવાદ : જેની બહુ લાંબા સમયથી ઇંતેજારી સેવાતી હતી તેવી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી ૧૯.૩ ઓવરો બાકી હતી ત્યારે આસાન પરાજય આપ્યો હતો. આ સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઇતિહાસમાં આઠ મુકાબલા થયા છે તે આઠેયમાં ભારત જીત્યું છે. એક લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલ આ મેચ જો કે ચાહકોની અપેક્ષા પ્રમાણે રોમાંચક કે યાદગાર ફટકાબાજીથી ભરપુર નહોતી રહી કેમ કે પાકિસ્તાનનો શુષ્ક રમત રમ્યા બાદ ધબડકો થયો હતો. બુમરાહને રિઝવાન સહિત બે વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. પેસ- સ્પિનના સમાન પ્રભાવ સામે પાકિસ્તાન ૪૨.૫ ઓવરોમાં ૧૯૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાનની ઇનિંગમાં એક પણ છગ્ગો ફટકારાયો નહોતો.

૧૯૨નો ટાર્ગેટ ચેઝ કરતા ભારતે કેપ્ટન રોહિત શર્માના ૬ ચોગ્ગા ૬ છગ્ગા સાથેના ૮૬ રનના સહારે ૩૦.૩ ઓવરોમાં જ વિજય મેળવ્યો હતો. ભારતે ત્રણ જ વિકેટો ગુમાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પાકિસ્તાન એક તબક્કે ૨ વિકેટે ૧૫૫ રનના સ્કોરથી ઇનિંગ પર લગભગ પ્રભુત્વ મેળવી ચૂક્યું હતું અને એવું લાગતું હતું કે પાકિસ્તાન ૨૮૦થી ૩૦૦ રનનો સ્કોર પાછળની ઓવરોમાં આક્રમક રમત રમી નોંધાવશે તેઓ આ જ કારણસર વિકેટ બચાવીને જોખમ વગર રમવાની રણનીતિ ધરાવતા હોય તેમ લાગતું હતું. 

ત્યારે ભારત માટે ભયજનક ભાગીદારીનું પ્લેટફોર્મ ખડું કરનાર કેપ્ટન બાબર આઝમ (૫૦)ને ઇનિંગની ૨૯.૪ ઓવરમાં સિરાજે બોલ્ડ કરતા ભારતને મોટો બ્રેક થુ્ર (૧૫૫/૩) આપ્યો હતો તે પછી ઇનિંગની ૩૩મી ઓવરમાં કુલદીપ યાદવે સાઉદ શકિલ (૬) અને ઇફ્તિખાર (૪)ને આઉટ કરતા પાકિસ્તાન પર આફત સર્જાઈ હતી. 

જો કે, ખરો ઝટકો તો બુમરાહે રિઝવાન (૪૯)ને એક બ્યુટી બોલમાં બેટ એન્ડ પેડ બોલ્ડ કર્યો હતો. તે પછી બુમરાહે વધુ એક ઓવરમાં શાદાબને બોલ્ડ કર્યો હતો. જાડેજા, પંડયાએ તે પછી પાકિસ્તાનની ઇનિંગ સમેટી હતી.

પાકિસ્તાન પુરી ૫૦ ઓવર રમ્યું હોત તો પણ ૨૧૫- ૨૩૦ રને પહોંચી શક્યું હોત પણ તેઓ ૪૩મી ઓવરમાં જ સમેટાઈ ગયા જે પાકિસ્તાને કલ્પ્યું પણ નહી હોય બુમરાહ, સિરાઝ, પંડયા, કુલદીપ યાદવ અને જાડેજાએ ૨- ૨ વિકેટ લીધી તે બધા જ બોલ ઉત્કૃષ્ટ હતા.

રનચેઝ માટે ભારત બેટિંગમાં નહોતું આવ્યું ત્યાં સુધી થોડી ચિંતા હતી કે પાકિસ્તાનનો આ રીતે ધબડકો થયો તો પીચ બેટિંગ માટે ખતરનાક તો નહીં બની ગઈ હોય ને પણ રોહિત શર્મા અને ગીલે આક્રમક સ્ટાર્ટ આપ્યું ગીલ સસ્તામાં આઉટ (૧૬) થયો તે પછી કોહલી પણ તરત જ આઉટ ન થયો કે ભારત પર દબાણ સર્જાય. રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે જે ફોર્મ સાથે રમતો હતો તે જ આક્રમકતા જોવા મળી. 

શ્રેયસ ઐયરે પણ પાકિસ્તાનને ચમત્કાર સર્જવાથી દૂર રાખ્યું અને ૬૨ રનમાં ૩ ચોગ્ગા, બે છગ્ગા સાથે ૫૩ અણનમ રન કર્યા હતા. ચાહકોને એમ હતું કે, પાકિસ્તાન આક્રમક બેટિંગથી મોટો સ્કોર ખડકે અને તે પછી ભારત ચેઝ કરીને જીતે તો પૈસા વસુલ મેચ બને પણ ૧૦૦ ઓવરની મેચ કુલ ૭૩.૨ ઓવરો જ રમાઈ પાકિસ્તાની ઇનિંગમાં ૦ છગ્ગા અને ચોગ્ગા પણ કુલ ૨૬ જ હતા. ભારતે આ સાથે વર્લ્ડ કપની તેની આ ત્રીજી મેચ જીતી છે. તેઓ હજુ હાર્યા નથી. પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે.


Google NewsGoogle News