ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો 'કિંગ' : સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન
- 18 વર્ષના ડી. ગુકેશે 14મી ગેમમાં ચીનના લીરેનને હરાવ્યો
- ગુકેશે 7.5 - 6.5 પોઇન્ટથી જીતી રશિયાના કાસ્પારોવનો વર્લ્ડ રેકોર્ડ તોડયો : વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ રૂ. 11 કરોડનું ઇનામ
- ભારત તરફથી છેલ્લે 2012માં વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો
સિંગાપોર : ભારતના ૧૮ વર્ષીય ડી. ગુકેશે ઇતિહાસ સર્જતા સૌથી નાની વયે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિધ્ધી પ્રાપ્ત કરી છે. ડી. ગુકેશે ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને આજે ૧૪મી અને આખરી ગેમમાં હરાવી ૦.૫ થી સરસાઈ સાથે ટાઇટલ જીત્યુ હતં. બંનેના પોઇન્ટનો આખરી સ્કોર ૭.૫-૬.૫ રહ્યો હતો. ડી. ગુકેશને વર્લ્ડ ચેમ્પિયન બનતા તેને રૂ. ૧૧ કરોડ જેટલું ઇનામ મળ્યું હતું. ગઈકાલે ૧૩મી ગેમ ડ્રો જતા બંને ૬.૫-૬.૫ પોઇન્ટથી બરાબરીએ હતા એટલે તે નિશ્ચિત બન્યું હતું કે આખરી ૧૪મી ગેમ આજે જે જીતે તે ચેમ્પિયન બને.
જેમાં ડી. ગુકેશે સફળતા મેળવી હતી. જો આ મેચ પણ ડ્રો ગઈ હોત બંનેને નિર્ધારિત ૧૪ ગેમ પછી ૭-૭ પોઇન્ટ હોત. મેચ જીતે તે ખેલાડીને ૧ એક અને ડ્રો જાય તો ૦.૫ પોઇન્ટ મળતા હોય છે.
જો ૧૪ ગેમના અંતે ૭-૭ પોઇન્ટ થયા હોત તો આવતી કાલે 'ફાસ્ટ ફોરમેટ'ની મેચ રમાઈ હોત જેમાં લિરેન ખાસ્સો ચઢિયાતો ખેલાડી છે તેથી ડી. ગુકેશે આજે જ આખરી ગેમ જીતીને સ્પર્ધા પર પૂર્ણ વિરામ લાવી દીધુ છે.
ચેસના ચાહકો જાણે છે કે આ કઈ હદની ઐતિહાસિક સિધ્ધી છે. સોશિયલ મિડિયા પર તેના પર દેશવાસીઓએ અભિનંદનની વર્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કરીને ડી. ગુકેશની સિધ્ધીને બિરદાવી હતી.
૧૪ ગેમ પૈકીની પ્રથમ ગેમ ચીનના ડિંગ લિરેને જીતી હતી. બીજી ગેમ ડ્રો ગઈ હતી. ત્રીજી ગેમ ડી. ગુકેશે જીતતા સ્કોર બરાબરીએ થયો હતો. તે પછી ૪થી ગેમથી ૧૦મી ગેમ ડ્રો ગઈ હતી. ગુકેશે ૧૧મી ગેમ જીતી અને સરસાઈ મેળવી પણ ૧૨ મી ગેમ લિરેન જીતી બરાબરી પ્રાપ્ત કરી. ૧૩મી ગેમ ડ્રો રહી હતી.
૧૪ રાઉન્ડમાં ગુકેશે ત્રીજી ૧૧મી અને ૧૪મી ગેમ જીતી જ્યારે લિરેને પહેલી અને ૧૨મી ગેમ જીતી હતી.
ડી. ગુકેશ ૧૪મી આખરી નિર્ણાયક ગેમ કાળા અને લિરેન સફેદ મહોરાથી રમ્યો હતો. મેચ ડ્રો તરફ જતી હતી ત્યારે પંચાવનમાં ચાલમાં લિરેને ભૂલ કરી અને ગુકેશે તરત જ તક ઝડપી લીધી હતી.
ગુકેશ ૧૮મો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે અને તે પણ જોગાનુજોગ ૧૮ વર્ષની વયે જ.
ભારતનો વિશ્વનાથન આનંદ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકયો છે. છેલ્લે ૨૦૧૨માં ભારત તરફથી વિશ્વનાથન આનંદ ચેમ્પિયન બન્યો હતો.
ગુકેશે ૧૭ વર્ષની વયે ફીડે કેન્ડીડેટસ ચેસ ટુનામેન્ટ જીતીને ડિફેન્ડીંગ ચેમ્પિયન લિરેનને ચેસ ચેમ્પિયનનો તાજ જાળવી રાખવા પડકારવામાં સફળત મેળવી હતી.
૧૩૮ વર્ષના આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ફાઇનલમાં બંને ખેલાડીઓ એશિયાના હતા.
ડી. ગુકેશ વિજય મળતા જ હર્ષના આંસુ સાથે રડી પડયો હતો. તેણે ચેમ્પિયન બન્યા બાદ નમ્રતા વ્યક્ત કરતા કહ્યું હતું કે 'ભલે હું વર્લ્ડ ચેમ્પિયન બન્યો પણ અસલી ચેમ્પિયન તો મારા મતે મેગ્નસ કાર્લસેન જ છે.'
કાર્લસેને વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ટાઈટલ જંગની રેસમાં ઉતરવાનું જ છોડી દીધું છે જેથી વિશ્વને નવો ચેમ્પિયન મળે.
ગુકેશે તેના માતાપિતાના છેલ્લા દસ વર્ષના સ્વાર્પણને બિરદાવી જણાવ્યું હતું કે મેં મારા કરતા મેં તેઓની ખુશી માટે ટાઇટલ જીત્યુ હોય તેમ કહી શકું. તેઓનું સ્વપ્ન હતું કે હું વર્લ્ડ ચેમ્પિયન બનું.
સૌથી યુવા વયના ચેસના વર્લ્ડ ચેમ્પિયન્સ
ખેલાડી |
દેશ |
વર્ષ |
ઉંમર |
ડી.ગુકેશ |
ભારત |
૨૦૨૪ |
૧૮ વર્ષ, ૮ મહિના અને ૧૪ દિવસ |
ગેરી કાસ્પારોવ |
રશિયા |
૧૯૮૫ |
૨૨ વર્ષ, ૬ મહિના અને ૨૭ દિવસ |
મેગ્નસ કાર્લસન |
નોર્વે |
૨૦૧૩ |
૨૨ વર્ષ, ૧૧ મહિના અને ૨૪ દિવસ |
મિખાઈલ તાલ |
રશિયા-લાતેવિયા |
૧૯૬૦ |
૨૩ વર્ષ, ૫ મહિના અને ૨૮ દિવસ |
અનાતોલી કાર્પોવ |
રશિયા |
૧૯૭૫ |
૨૩ વર્ષ, ૧૦ મહિના અને ૧૧ દિવસ |