12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યું ભારત, ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં કંગાળ રમત બાદ પરાજય
India's Historic Crushing Defeat In Second Test Against New Zealand : પૂણેની ધરતી પર ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ટીમે 69 વર્ષનો ઇતિહાસ બદલી નાખ્યો છે. સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં વિજય સાથે કિવી ટીમે ભારતીય ધરતી પર તેની પહેલી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. બીજી ઇનિંગમાં પણ ભારતીય ટીમના ટોપ બેટિંગ ઓર્ડર પત્તાની જેમ તૂટી ગયો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત જેવા મજબૂત બેટર ભારતીય ટીમનું સન્માન બચાવી શક્યા નથી. મિશેલ સેન્ટનરના સ્પિનિંગ બોલે ભારતીય બેટરોને હંફાવી દીધા હતા. ભારતીય ટીમે 12 વર્ષ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ સીરિઝ ગુમાવી દીધી છે.
ભારતીય બેટરોનું નિરાશાજનક પ્રદર્શન
બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને 113 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. પૂણેમાં જીત સાથે કિવી ટીમે ભારતીય ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. પહેલી ઇનિંગમાં ફ્લોપ રહ્યા બાદ બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. અને માત્ર 245 રન બનાવીને આખી ટીમ પડી ભાંગી પડી હતી.
ટોપ ઓર્ડર ફ્લોપ
રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલી માત્ર 17 રન બનાવી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 21 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે રિષભ પંત પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રવિન્દ્ર જાડેજાએ 42 રન બનાવ્યા હતું. પરંતુ તે ટીમની હારને રોકી શક્યો નહીં. ન્યૂઝીલૅન્ડ માટે, મિશેલ સેન્ટનરે બીજી ઇનિંગમાં પણ તબાહી મચાવી દીધી હતી અને છ ભારતીય બેટરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ જીત સાથે કિવી ટીમે સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ભારતનું એકહથ્થુ વર્ચસ્વ ખતમ
ન્યૂઝીલૅન્ડ સામેની સીરિઝ પહેલા ભારતીય ટીમે પોતાની ધરતી પર 19 ટેસ્ટ સીરીઝ રમી હતી. જેમાંથી ટીમે 18માં જીત મેળવી હતી. માત્ર એક જ સીરિઝ ડ્રો રહી હતી. જો કે ઘરઆંગણે ભારતીય ટીમનું શાસન હવે સમાપ્ત થઈ ગયું છે. છેલ્લે વર્ષ 2012માં ભારતને પોતાની ધરતી પર ઇંગ્લૅન્ડે ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું.