ભારતીય મહિલા હોકી ટીમનો મલેશિયા સામે ૫-૦થી વિજય

- - પાંચેય ગોલ જુદી-જુદી ખેલાડીઓએ ફટકાર્યા

- - પાંચ મેચની સિરીઝમાં ભારત ૨-૦થી આગળ

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
ભારતીય મહિલા હોકી ટીમનો મલેશિયા સામે ૫-૦થી વિજય 1 - image

કુઆલાલુમ્પુર, તા.૬

ભારતની મહિલા હોકી ટીમે યજમાન મલેશિયાને ૫-૦થી હરાવીને દબદબો જારી રાખ્યો હતો. પાંચ મેચની સિરીઝમાં ભારતની મહિલા હોકી ટીમનો આ સતત બીજો વિજય છે. અગાઉ રમાયેલી પ્રથમ મેચમાં ભારત ૩-૦થી જીત્યું હતુ. ભારતની જીતની વિશેષતા એ હતી કે, પાંચેય ગોલ અલગ-અલગ ખેલાડીઓએ ફટકાર્યા હતા. 

મલેશિયાની ટીમ ભારત સામેની આ બીજી મેચમાં પણ ખાતું ખોલાવી શકી નહતી. ભારતીય ગોલકિપર કમ કેપ્ટન સવિતા પુનિયાએ તેનો પ્રભાવક દેખાવ જારી રાખતાં હરિફ ટીમને ગોલ ફટકારવાથી વંચિત રાખી હતી.

કુઆલાલુમ્પુરમાં રમાયેલી હોકી સિરીઝની બીજી મેચમાં ભારત તરફથી ૧૨મી મિનિટે નવજોત કૌરે સૌપ્રથમ ગોલ ફટકાર્યો હતો. આ પછી વંદના કટારિયાએ ૨૦મી મિનિટે ગોલ ફટકારતાં ભારતની સરસાઈને બેવડાવી દીધી હતી. મલેશિયાના ડિફેન્ડરોએ આ પછી વધુ મહેનત કરતાં ભારતને સંઘર્ષ કરવો પડયો હતો. જોકે આખરી મિનિટોમાં ફરી ભારત ત્રાટક્યું હતુ અને ૫૪મી મિનિટે લાલ્રેમ્સિમિએ અને ૫૫મી મિનિટે નિક્કીએ ગોલ ફટકારતાં ટીમને ૫-૦થી જીત અપાવી હતી.

પાંચ હોકી મેચોની સિરીઝની ત્રીજી મેચ ૮મી એપ્રિલે સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. આ પછી સિરીઝની આખરી બે મેચો અનુક્રમે ૧૦મી અને ૧૧મી એપ્રિલે રમાશે. 



Google NewsGoogle News