ભારતની આ મહિલા ક્રિકેટરની ‘ICC હૉલ ઑફ ફેમ’માં એન્ટ્રી, ઇંગ્લૅન્ડ-આફ્રિકાના આ ખેલાડીઓનો પણ સમાવેશ
ICC Hall of Fame, Neetu David : ICC હૉલ ઑફ ફેમમાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન એલિસ્ટર કૂક, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડી વિલિયર્સ અને ભારતની મહાન મહિલા ક્રિકેટર નીતુ ડેવિડને સ્થાન આપવામાં આવ્યું છે. હૉલ ઑફ ફેમમાં ક્રિકેટ દિગ્ગજોની યાદીમાં કૂક 113મો, ડેવિડ 114મી અને ડી વિલિયર્સ 115મો ખેલાડી બન્યા છે.
એલિસ્ટર કુકે 250થી વધુ વખત ઇંગ્લૅન્ડ ક્રિકેટનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સૌથી નોંધપાત્ર પ્રભાવ હતો. વર્ષ 2018માં કૂકે ઇંગ્લૅન્ડના સૌથી વધુ ટેસ્ટ રન અને સદી ફટકારનાર ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે કૅપ્ટન તરીકે દેશ અને વિદેશમાં શાનદાર પ્રદર્શન કરી ક્રિકેટમાં સફળતા હાંસલ કરી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પીનર નીતુ ડેવિડ તેના સમયની શક્તિશાળી ક્રિકેટર રહી છે. વનડેમાં 100 વિકેટ લેનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. આ સિવાય તેણે વર્ષ 2005માં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિકેટ લેવાની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
આ યાદીમાં એબી ડી વિલિયર્સનું નામ પણ સામેલ છે. ડી વિલિયર્સ દક્ષિણ આફ્રિકા માટે 14 વર્ષ રમ્યો હતો. જેમાં તેણે ત્રણેય ફોર્મેટમાં 20,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી, સદી અને 150 રન કરવાનો રૅકૉર્ડ તેના નામે છે. ડી વિલિયર્સે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખતરનાક બેટરોમાંનો એક મનાય છે.