T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, પાંચ મેચોનું શેડ્યુલ જાહેર
ઝિમ્બાબ્વે ક્રિકેટના વડા તવેંગવા મુકુહલાનીએ BCCIનો આભાર માન્યો
India vs Zimbabwe: ભારતીય ટીન હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝ 1-1ની સરસાઈ કરી લીધી છે. આ દરમિયાન ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે મંગળવારે જાહેરાત કરી હતી કે, ઝિમ્બાબ્વે જુલાઈમાં પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ભારતની યજમાની કરશે. આ સીરિઝ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024ના બાદ રમાશે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ઝિમ્બાબ્વે અને ભારત પાંચ મેચોની T20 સીરિઝની પ્રથમ મેચ 6 જુલાઈએ અને છેલ્લી પાંચમી મેચ 14 જુલાઈએ ઝિમ્બાબ્વેના હરારેમાં રમાશે.'
ભારત અને ઝિમ્બામ્વે વચ્ચે યોજાનાર T20 સીરિઝને લઈને ઝિમ્બાબ્વે ક્રિકેટના વડા તવેંગવા મુકુહલાનીએ કહ્યું કે, અમે જુલાઈમાં T20 સીરિઝ માટે ભારતની યજમાની કરવા માટે ઉત્સુક છીએ, ક્રિકેટની રમતને હંમેશા ભારતના પ્રભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી ઘણો ફાયદો થયો છે અને હું ફરી એકવાર ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રતિબદ્ધ થવા બદલ BCCIનો ખૂબ ખૂબ આભાર માનું છું.'
ઝિમ્બામ્વે અને ભારત વચ્ચે T20 મેચનું શેડ્યુલ
શનિવાર છઠ્ઠી જુલાઈ- પહેલી T20 મેચ
રવિવાર સાતમી જુલાઈ- બીજી T20 મેચ
બુધવાર 10મી જુલાઈ- ત્રીજી T20 મેચ
શનિવાર 13મી જુલાઈ- ચોથી T20 મેચ
રવિવાર 14મી જુલાઈ- પાંચમી T20 મેચ
આ તમામ મેચ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી T20 મેચ સિવાયની તમામ મેચો બપોરે 1.00 વાગ્યે શરૂ થશે. ત્રીજી T20 મેચ 10 જુલાઈએ સાંજે 6 વાગ્યે શરૂ થશે.