ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, અંડર-19 એશિયા કપમાં છવાયા આ ખેલાડીઓ
In Under-19 Asia Cup Indian team reaches semi-final : અંડર-19 એશિયા કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આજે ભારતનો સામનો UAE સાથે થયો હતો. અને લગભગ એકતરફી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. સતત બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ પાસે ચાર પોઈન્ટ છે. UAEની ટીમ ભારત સામે ક્યાંય ટકી શકી ન હતી.
UAEની ટીમ થઇ ધરાશાયી
UAEના કેપ્ટન આયન ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેપ્ટનનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ટીમની પહેલી વિકેટ પાંચમી ઓવરમાં જ પડી ગઈ હતી. અને આર્યન સક્સેના માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે UAEની ટીમ સંપૂર્ણ ધરાશાયી થઇ ગઈ હતી. પરંતુ ટીમ માટે સૌથી મોટો સ્કોર રિયાન ખાને બનાવ્યો હતો. જેણે 48 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી. તે એકમાત્ર બેટર હતો કે જેણે મેચમાં છગ્ગો ફટકાર્યો હતો.
વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેનું શાનદાર પ્રદર્શન
UAEની ટીમ માત્ર 44 ઓવર જ બેટિંગ કરી શકી હતી. અને ટીમ 137 રન બનાવી ઓલ-આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમના ઓપનર વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે આવતાની સાથે જ શાનદાર બેટિંગ કરી હતી. અને ટુંક સમયમાં જ ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચાડી દીધો હતો. ટીમે 100નો સ્કોર પાર કર્યો ત્યારે હજુ 12મી ઓવર ચાલી રહી હતી. આ પછી પણ બંનેએ સાથે મળીને શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી.
આ પણ વાંચો : નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ NPLમાં મચાવ્યું તોફાન, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ
કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતે મેચ જીતી લીધી
ભારતીય ટીમે 16.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 138 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અને ટીમ બે પોઈન્ટ મેળવવામાં સફળ રહી હતી. ભારત માટે વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે અડધી સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ 46 બોલમાં 77 રન અને આયુષ મ્હાત્રે 51 બોલમાં 67 રનની જોરદાર ઈનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશીને તાજેતરની IPL મેગા ઓક્શન દરમિયાન રાજસ્થાન રોયલ્સે રૂ. 1 કરોડથી વધુમાં ખરીદ્યો હતો.