IND vs PAK: ભારતીયોનું તૂટ્યું દિલ ! ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું
Blind T20 World Cup 2024 : 23 નવેમ્બરથી પાકિસ્તાનમાં T20 બ્લાઈન્ડ વર્લ્ડકપ 2024 શરૂ થવાનો છે. પરંતુ ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને તેની પાછળનું કારણ એ છે કે, વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. જેના કારણે હવે બ્લાઈન્ડ ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં રમશે નહી. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા(CABI)ના આસિસ્ટન્ટ સેક્રેટરી શેલેન્દ્ર યાદવે આ માહિતી આપી હતી. જેથી કરીને ભારતીય ચાહકો આ નિર્ણયથી ખૂબ જ દુઃખી છે.
અમે વધુ રાહ જોઈ શકીએ નહીં
શેલેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'અમે છેલ્લા 25 દિવસથી પાકિસ્તાન જવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. હવે અમે વધુ રાહ જોઈ શકીએ નહીં કારણ કે, હવે ટુર્નામેન્ટ ટૂંક સમયમાં શરૂ થવાની છે. જ્યારે મેં વિદેશ મંત્રાલય સાથે આ અંગે ફોન પર વાત કરી તો તેઓએ અમને કહ્યું કે, તમને પાકિસ્તાન જવા માટે મંજૂરી મળશે નહીં, અને તમે આ ટુર્નામેન્ટ રદ કરી શકો છો. અને તેઓ આ અંગેનો અમને સત્તાવાર અસ્વીકાર પત્ર પણ આપશે. જો કે, અમને હજુ સુધી કોઈ પણ સત્તાવાર પત્ર મળ્યો નથી. પરંતુ MEA સાથેની ચર્ચાના આધારે અમે આ નિર્ણય લીધો છે કે, અમે પાકિસ્તાનમાં યોજાનારા બ્લાઈન્ડ T20 વર્લ્ડકપમાં ભાગ લઈશું નહીં.'
આ પણ વાંચો : 'ભારત વગર ચેમ્પિયન્સ ટ્રૉફી સંભવ નહીં...', ICCએ પાકિસ્તાનને રોકડું પકડાવ્યું
છેલ્લા ત્રણ વર્લ્ડકપ જીતી ચૂકી છે ભારતીય ટીમ
બ્લાઈન્ડ T20 વર્લ્ડકપની અત્યાર સુધી ત્રણ સિઝન રમાઈ છે. ત્રણ સિઝન વર્ષ 2012, 2017 અને 2022માં થઈ હતી. જેમાં ત્રણેય સિઝનમાં ભારતીય બ્લાઈન્ડ ટીમનો વિજય થયો હતો. ગત વખતે 2022ની સિઝનની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 120 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે મેચમાં ભારતીય ટીમે 277 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 157 રન બનાવી શકી હતી.