ટીમ ઇન્ડિયાનો આ ખેલાડીને રમાડવાનો દાવ ઊંધો પડ્યો, રોહિત 'કરો યા મરો' મેચમાં લેશે મોટો નિર્ણય!

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
ટીમ ઇન્ડિયાનો આ ખેલાડીને રમાડવાનો દાવ ઊંધો પડ્યો, રોહિત 'કરો યા મરો' મેચમાં લેશે મોટો નિર્ણય! 1 - image

India vs Sri Lanka, ODI Series: ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસમાં T20 સિરીઝ 3-0થી જીત્યાબાદ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમ વનડે સિરીઝમાં ધબડકો કરશે. કૅપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલી વનડેમાં શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યાંકને સરળતાથી મેળવી શકી હોત પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મેચ ટાઇ થઈ હતી. બીજી વનડે મેચમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે. એલ. રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમ માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 32 રનથી મેચ હારી ગઈ હતી, જ્યારે મેચ જીતવા માટેનો લક્ષ્યાંક 241 રનનો હતો.

શ્રીલંકા સામેની બીજી વનડેમાં એક ખેલાડીને ટીમમાં સ્થાન આપીને ભારતે પોતાના પગમાં કુહાડી મારી લીધી છે. પહેલી વનડેમાં પણ ટીમને સરળતાથી મેચ જીતાડવામાં આ ખેલાડી નિષ્ફળ રહ્યો હતો. કૅપ્ટન રોહિત શર્મા પર હવે સિરીઝ બચાવવાનું દબાણ છે. જો ભારતીય ટીમે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં હારવાથી બચવું હોય તો આ ખેલાડીનું ટીમમાંથી બહાર થવું ખૂબ જ જરૂરી બની ગયું છે. 

આ પણ વાંચો: IND vs SL: ભારતની સૌથી મોટી નબળાઈ છતી થઈ ગઈ પણ કૅપ્ટન રોહિતે કહ્યું, હું તો આવું જ રમીશ

રોહિત આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી શકે 

ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને ટીમના કૅપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી વનડેમાં ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં સ્થાન આપીને બહુ મોટી ભૂલ કરી છે. હવે ત્રીજી વનડેમાં શિવમની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સ્થાન મળી શકે છે. રિષભ પંત શ્રીલંકાના સ્પિનરોને શિવમ દુબે કરતાં વધુ સારી રીતે રમી શકે છે. શિવમે શ્રીલંકા સામેની બીજી વનડેમાં 4 બોલ રમીને ઝીરોના અંગત સ્કોર સાથે આઉટ થયો હતો. બોલિંગમાં પણ શિવમ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે 2 ઓવરમાં 10 રન આપીને કોઈ પણ વિકેટ લીધી ન હતી. શિવમ દુબે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાનો ખાલીપો ભરી શક્યો નથી.

પહેલી વનડેમાં પણ ધબડકો કર્યો હતો

શિવમ દુબેએ શ્રીલંકા સામેની પહેલી વનડેમાં પણ ધબડકો કર્યો હતો. તે મેચમાં ભારતને છેલ્લા 15 બોલમાં 1 રનની જરૂર હતી. શિવમ દુબે અને મોહમ્મદ સિરાજ ક્રીઝ પર હતા અને 2 વિકેટ હાથમાં હોવા છતાં, શિવમ દુબેએ 48મી ઓવરના ચોથા બોલે ઉતાવળ કરી અને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો શિવમ દુબેએ થોડી ધીરજ બતાવી હોત તો મેચ ટાઇ ના થઈ હોત. એક રીતે ભારત આ મેચ હારી જ ગયું હતું.

રિષભ પંતને શિવમ દુબેની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે

રોહિત શર્મા શ્રીલંકા સામેની પહેલી બે વનડેમાં શિવમ દુબેના ખરાબ પ્રદર્શનને લીધે આગામી મેચમાં તેને ટીમમાંથી પડતો મૂકી શકે છે. ત્રીજી વનડે મેચમાં રિષભ પંતને શિવમ દુબેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત આગામી વનડે મેચ શ્રીલંકા સામે બુધવારે 7 ઑગસ્ટે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમ ત્રણ મેચની વનડે સિરીઝમાં 0-1થી પાછળ છે. આવી સ્થિતિમાં ટીમે સિરીઝને 1-1થી ડ્રો કરવા માટે કોઈપણ ભોગે ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ જીતવી પડશે.

ટીમ ઇન્ડિયાનો આ ખેલાડીને રમાડવાનો દાવ ઊંધો પડ્યો, રોહિત 'કરો યા મરો' મેચમાં લેશે મોટો નિર્ણય! 2 - image


Google NewsGoogle News