રોહિત-કોહલીના સમર્થનમાં ઊતર્યો ગંભીર, હર્ષિત-નીતિશની પસંદગી અંગે પણ મૌન તોડ્યું
Gautam Gambhir : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં ગંભીરને ઘણાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી
રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચમાં રમશે કે નહી? તે અંગે ગંભીરે કહ્યું હતું કે, 'રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે મેચ સમયે ઉપલબ્ધ રહેશે. સીરિઝ શરૂ થશેતે પહેલા તમને બધું જ ખબર પડી જશે. જો રોહિત શર્મા ઉપલબ્ધ નહી હોય તો અમારી પાસે કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન તરીકે ઓપનિંગ વિકલ્પો છે. હું તમને પ્લેઈંગ-11 વિશે કહી શકતો નથી, અમે બેસ્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીશું. બુમરાહ વાઇસ કેપ્ટન છે. રોહિતની ગેરહાજરીમાં તે ટીમનો કેપ્ટન રહેશે.'
ઓપનિંગ કરી શકે છે કેએલ રાહુલ
કેએલ રાહુલને લઈને ગંભીરે એક મોટી વાત કહી હતી. ગંભીરે કહ્યું, 'કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. તે નંબર 3 પર કે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે, કારણ કે ઘણાં ખેલાડીઓ આવા વિકલ્પો આપી શકતા નથી.
હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી
હર્ષિત રાણા અને નીતિશને ટીમમાં સ્થાન આપવાને લઈને ગંભીરે કહ્યું કે, 'રણજી ટ્રોફીમાં તે(હર્ષિત રાણા) આસામ સામે રમ્યો હતો. તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું. અમને લાગ્યું કે તેની પાસે બોલિંગનો પૂરતો અનુભવ છે. અમે એક શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. હવે અમારે આગળ વધવાનું છે. જ્યારે જરૂર પડશે ત્યારે નીતિશ રેડ્ડી અમારા માટે કામ કરશે. આપણે બધા જાણીએ છીએ કે તે(નીતિશ રેડ્ડી) કેટલો પ્રતિભાશાળી ખેલડી છે. જો તેને તક આપવામાં આવશે તો તે ટીમ માટે જરૂર સારું પ્રદર્શન કરશે. આ ખેલાડીઓનું શ્રેષ્ઠ ગ્રૂપ છે. જેને અમે દેશ માટે રમવા માટે પસંદ કર્યા છે.'
કોહલી અંગે કોઈ ચિંતા નથી
ગૌતમ ગંભીર કહે છે કે, 'રોહિત અને વિરાટ કોહલીના ફોર્મને લઈને કોઈ ચિંતા નથી. તેણે ભૂતકાળમાં અવિશ્વસનીય રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું હાંસલ કર્યું છે. અને તે ભવિષ્યમાં પણ આવુ કરતા રહેશે.
અમે ટીકાના હકદાર છીએ
ન્યૂઝીલેન્ડ સામે ભારતની થયેલી હાર વિષે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, 'હું અહીં મારો બચાવ કરીશ નહીં. આ સમયે અમારા પર જે ટીકા થઈ રહી છે તેના અમે હકદાર છીએ. હવે અત્યારે હું માત્ર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ વિશે જ વિચારી રહ્યો છું. આ સમયે મારું ધ્યાન ટેસ્ટ સીરિઝ પર હોવું જોઈએ. અમારી પાસે ઘણાં અનુભવી ખેલાડીઓ છે. કે જેઓ આ સ્થિતિમાં રમ્યા છે. પહેલી ટેસ્ટ પહેલા તૈયારી કરવા માટે અમારી પાસે દસ દિવસ છે.'
યુવા ખેલાડી આપણું ભવિષ્ય
વધુમાં ગંભીરે કહ્યું હતું કે, 'અમે અત્યારે WTC ફાઈનલ વિશે વિચારી રહ્યા નથી. અમારા માટે દરેક સીરિઝ મહત્ત્વપૂર્ણ છે, પછી ભલે ભૂતકાળમાં જે થયું હોય. બે સારી ટીમો એકબીજા સામે રમી રહી છે. અમારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI સામે બે દિવસ પ્રેક્ટિસ કરવાની છે. અમારી પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે. જ્યારે અમે વોશિંગ્ટનને ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારે તમે બધા અમારી ટીકા કરો છો. જ્યારે કોઈ યુવા ખેલાડી આવે છે, પછી તે જુરેલ હોય કે વોશિંગ્ટન, તે આપણું ભવિષ્ય છે.'
આ પણ વાંચોઃ હું જવાબદાર છું, ન્યૂઝીલેન્ડ સામે હાર એક નિરાશાજનક અનુભવ : ભારતનો દિગ્ગજ બોલર
રિકી પોન્ટિંગને લગાવી ફટકાર
રિકી પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ પર નિવેદન આપ્યું હતું. આ અંગે પોન્ટિંગની ફટકાર લાગ્વતા ગંભીરે કહ્યું, 'પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ. રોહિત અને વિરાટ મજબૂત ખેલાડી છે.
મજબૂત ખેલાડીઓ છે અમારી પાસે
ન્યૂઝીલેન્ડના સામે મળેલી હાર બાદ ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર ટીકા અને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. તેના વિશે ગંભીરે કહ્યું હતું કે, 'સોશિયલ મીડિયાથી શું ફરક પડે છે? હું તણાવમાં નથી, ડ્રેસિંગ રૂમમાં મજબૂત ખેલાડીઓ છે. તેમને કોચિંગ આપવું મારા માટે સન્માનની વાત છે.'