ત્રીજી ટેસ્ટમાં કોહલીની વાપસી પર શંકા, આ ખેલાડીઓ સીરિઝથી બહાર થઇ શકે, ટૂંક સમયમાં ટીમ થશે જાહેર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે
Image : Twitter |
IND vs ENG Test Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. હવે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે રમાનાર છે. જો કે ભારતીય પસંદગીકારો ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી વાપસી કરશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. કોહલી હાલ દેશની બહાર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, જેનો ખુલાસો એબી ડી વિલિયર્સે કર્યો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી વાપસી કરશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
વિરાટ કોહલી
બીજી ટેસ્ટ મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે પણ સ્પષ્ટતા કરી નથી કે કોહલી વાપસી કરશે કે કેમ. દ્રવિડે કોહલી અંગેના સવાલને પસંદગીકારો તરફ ફેરવ્યો અને કહ્યું કે પસંદગીકારો વિરાટનો સંપર્ક કરવા જઈ રહ્યા છે અને જે પણ થશે તે માત્ર પસંદગીકારો જ તમને કહેશે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું ત્રીજી ટેસ્ટમાં કોહલીની વાપસી શક્ય નથી તેવું લાગી રહ્યું છે.
કે. એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા
પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કે. એલ રાહુલ ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ બની શક્યો ન હતો. પરંતુ હવે આશા છે કે તેની ભારતીય ટીમમાં વાપસી થશે. જ્યારે રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યા હતી, જેના કારણે તેને બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. જાડેજા વિશે કોઈ હકારાત્મક અપડેટ નથી. આવી સ્થિતિમાં જાડેજાની વાપસી મુશ્કેલ બની જશે તેવું લાગી રહ્યું છે.
શુભમન ગિલ
બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન શુભમન ગિલ મેદાનમાં આવ્યો ન હતો. તેને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. ગિલે ઈન્જેક્શન લીધા બાદ બેટિંગ કરી હતી પરંતુ દર્દના કારણે તે ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો ન હતો. તેના સ્થાને સરફરાઝને ફિલ્ડિંગ માટે મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે તેની ઈજા વધુ ગંભીર છે કે કેમ. જો ગિલ સંપૂર્ણ રીતે ફિટ નથી તો તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
જસપ્રીત બુમરાહ
મળેલા અહેવાલો મુજબ બુમરાહને ત્રીજી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. બુમરાહે સતત બે ટેસ્ટ મેચ રમી છે અને પોતાની ઘાતક બોલિંગથી ભારતીય ટીમને મેચ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમ મેનેજમેન્ટ બુમરાહને લઈને ખૂબ જ સાવચેત છે. આગળ T20 World Cup અને IPL પણ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ બુમરાહને આરામ આપવા અંગે વિચારી શકે છે.
બાકી ત્રણ ટેસ્ટ મેચ માટે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (ફિટનેસ પર પ્રશ્ન), વિરાટ કોહલી (વાપસી પર શંકા), શ્રેયસ અય્યર, રજત પાટીદાર, શ્રીકર ભરત (wkt), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ત્રીજી ટેસ્ટ માટે આરામની શક્યતા), મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, સરફરાઝ ખાન, મોહમ્મદ સિરાજ, સૌરભ કુમાર, કે.એલ રાહુલ