નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુ વધીને ₹ 335 કરોડ, હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યો, મનુ ભાકરને એક એડ માટે કરોડો મળ્યા
પેરિસ ઓલિમ્પિક મેડલ જીતવાની સાથે જ શૂટર મનુ ભાકર ભારતમાં સ્ટાર બની ગઈ છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વિવિધ કંપનીઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અગાઉ જ્યાં મનુ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના 25 લાખ રૂપિયા જેટલું ચાર્જ કરતી હતી ત્યાં હવે તેને 1.5 કરોડ જેટલી માતબર રકમ મળવા લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ ઓલિમ્પિકની ભાલાફેંકમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવનાર નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુ વધીને 335 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નિરજે બ્રાન્ડ વેલ્યુના મામલે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને પણ પાછળ છોડી દીધો છે. પંડ્યાની બ્રાન્ડ વેલ્યુ 318 કરોડ રૂપિયા છે. નીરજની એન્યુઅલ એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે. આ સિવાય રેસલિંગમાં 50 કિગ્રા વેઇટ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચેલી વિનેશની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે.
248 કરોડથી વધીને 335 કરોડ ₹/- થઈ નીરજ ચોપરાની વેલ્યુએશન
ભારતીય ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુમાં હાર્દિક પાંચમાં ક્રમે છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાની બ્રાન્ડ વેલ્યુ લગભગ ₹318 કરોડ માનવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલ એક અહેવાલ અનુસાર, નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુ ₹248 કરોડથી વધીને અંદાજે ₹335 કરોડ થઈ ગઈ છે. નીરજ ચોપરાની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે. તેની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક 3 કરોડ રૂપિયાથી વધીને 44.5 કરોડ રૂપિયા પ્રતિ ડીલ થઈ છે.
મનુ ભાકરની એન્ડોર્સમેન્ટ ફી કરોડોમાં
ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનાર એથ્લેટ્સને પેકેજ્ડ ફૂડ, હેલ્થ, ન્યુટ્રિશન, જ્વેલરી, બૅંકિંગ અને એજ્યુકેશન જેવી કેટેગરીમાં બ્રાન્ડનો ચહેરો બનાવવાની સ્પર્ધા છે.
મનુ ભાકરની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક ₹25 લાખ પ્રતિ ડીલથી વધીને ₹1.5 કરોડ થઈ ગઈ છે. ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુએ તાજેતરમાં સોફ્ટ ડ્રિંક્સ વેચતી કંપની સાથે ₹1.5 કરોડની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ સાઇન કરી હતી. એ જ રીતે, વિનેશ ફોગાટની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક ₹25 લાખથી વધીને ₹75 લાખથી ₹1 કરોડ થઈ ગઈ છે.
સૌથી ટોપ પર કિંગ કોહલી !
ભારતના સૌથી વધુ લોકપ્રિય એથ્લિટ અને ક્રિકેટર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં પણ T20 વર્લ્ડકપમાં વિજય બાદ 29 ટકાનો વધારો થયો છે. તે ભારતનો સૌથી મોંઘો સેલિબ્રિટી છે. સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2023 અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યુ ₹1904 કરોડ સુધી પહોંચી ગઈ છે.
સ્પોન્સરશિપના મામલે વિરાટ કોહલી સૌથી આગળ છે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ બીજા સ્થાને છે, જેની બ્રાન્ડ વેલ્યુ ₹1703 કરોડ જેટલી છે. બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાન 12.07 મિલિયન ડૉલર ₹1012 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા ક્રમે છે. અક્ષય કુમાર આ યાદીમાં ₹938 કરોડ સાથે ચોથા અને ₹848 કરોડ સાથે પાંચમા ક્રમે છે.
ક્રિકેટર્સની યાદીમાં વિરાટ કોહલી બાદ બીજા ક્રમે ₹797 કરોડ સાથે ધોની અને ત્રીજા ક્રમે ₹763 કરોડ સાથે સચિન તેંડુલકર છે. ચોથા અને પાંચમા ક્રમે રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યુ ₹343 કરોડ અને હાર્દિક પંડ્યાની ₹318 કરોડ બ્રાન્ડ વેલ્યુ છે.