Olympics 2024: પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે અમદાવાદની શૂટરને નિષ્ફળતા, 10 મીટર મિક્સ્ડ ઇવેન્ટમાંથી ભારત બહાર
ભારતીય શૂટર્સ માટે ઓલિમ્પિકની શરૂઆત સારી નથી રહી. કારણ કે ભારતની બે જોડી રમિતા જિંદાલ અને અર્જુન બબુતા તેમેજ ઇલાવેનિલ વલારિવન અને સંદીપ સિંઘની મિક્સ્ડ ટીમ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.
અમદાવાદની ઈલાવેનિલ વલારિવન અને સંદીપ સિંહ 626.3 પોઈન્ટ સાથે 12મા સ્થાને રહ્યા હતા.
બીજી ભારતીય ટીમ રમિતા અને અર્જુને 30 શોટની શ્રેણીમાં કુલ 628.7 પોઈન્ટ સ્કોર કર્યો હતો.
ચીન, કોરિયા, જર્મની અને કઝાકિસ્તાન 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ મેડલ મેચમાં ભાગ લેશે.
આ સિવાય ભારતીય શૂટર્સમાંથી હવે પછી મનુ ભાકર, રિધમ સંગવાન, સરબજોત સિંહ અને અર્જુન ચીમા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લેશે.
ભારતે પણ 25મી જુલાઈથી ઓલિમ્પિક અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજી(Archery)થી કરી હતી. તીરંદાજી, હોકી સહિતની કેટલીક ઓલિમ્પિક રમતો માટે ભારતને પાવરહાઉસ માનવામાં આવે છે.
કોણ છે ઈલાવેનિલ વલારિવન?
અમદાવાદમાં રહેતી ઈલાવેનિલ વલારિવન ગગન નારંગની અકેડમીમાં ટ્રેનિંગ મેળવી ચૂકી છે. ગગન નારંગ પોતે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલ શૂટર રહી ચૂક્યા છે. જે પેરિસમાં ભારતના મિશન ચીફ પણ છે. ઈલાવેનિલ વલારિવન 2017માં નેશનલ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર રાઈફલ્મ પહેલી વખત ગોલ્ડ મેડલ જીતી હતી. તે 2021 અને 2022માં બે વખત ISSF વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ સિવાય 2022માં એક સિલ્વર અને 2022માં ઈજિપ્તના કાઇરોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે.