ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધી મેદાને ઊતર્યા, જાણો શું છે કારણ
IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 26મી ડિસેમ્બરથી શરુ થયેલી બોક્સિંગ ડે ટેસ્ટનો આજે બીજો દિવસ છે અને ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી. પણ એવામાં બધાને પ્રશ્ન થાય કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે MCGમાં બીજા દિવસે બ્લેક બેન્ડ પહેરીને શા માટે એન્ટ્રી કરી, એવામાં તેની પાછળનું કારણ જાણીએ.
ટીમ ઇન્ડિયાએ હાથમાં કાળી પટ્ટી કેમ પહેરી છે?
રોહિત શર્માની કૅપ્ટનશીપવાળી ભારતીય ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી છે. કારણ કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત અચાનક બગડતાં જ તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી શ્રદ્ધાંજલિ રૂપે અને તેમના સન્માનમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી છે.
બંને ટીમો 1-1 થી બરાબરી પર
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કર્યું અને ભારતને 10 વિકેટથી હરાવ્યું. આ સાથે બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. તે જ સમયે, વરસાદના કારણે ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ હતી. આ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેને 4-4 પોઇન્ટ મળ્યા છે.
મહિલા ટીમે પણ કાળી પટ્ટીઓ પહેરી હતી
ભારતીય મહિલા ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વનડે રમી રહી છે. આ દરમિયાન, ભારતીય મહિલા ટીમ પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરીને વડોદરાના કૌટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવી હતી. ભારતીય ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને હવે તે છેલ્લી મેચ રમી રહી છે.