ભારતીય ટીમે અમદાવાદમાં ઇંગ્લેન્ડને 18 રને હરાવ્યું, T20 સીરિઝ પર 3-1થી કબજો
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5 મેચની T20 સીરિઝની અંતિમ મેચ પણ અમદાવાદમાં જ રમાશે
Image:Twitter |
IND vs ENG T20I : ભારતીય શારીરિક વિકલાંગ ક્રિકેટ ટીમે ગઈકાલે અમદાવાદમાં રમાયેલી રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સીરિઝ 3-1થી કબજે કરી લીધી છે. રવિન્દ્ર સાંતેને તેના અસાધારણ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. સાંતેએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.
અંતિમ મેચ અમદાવાદમાં રમાશે
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5 મેચની T20 સીરિઝની અંતિમ મેચ પણ અમદાવાદમાં જ રમાશે. ભારત 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. સાંતેએ સમગ્ર સીરિઝમાં ભારત માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. ચોથી મેચની વાત કરીએ તો 4 ઓવરમાં 21 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય કેપ્ટન વિક્રાંત કેની અને લોકેશ માર્ગાડેએ ત્રીજી વિકેટ માટે 50 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કેનીએ 28 રન અને માર્ગાડેએ 21 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે 20 ઓવરમાં 150 રન બનાવ્યા
સાંતેએ 30 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 150 રનનો સ્કોર બોર્ડ પર મૂક્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 131 રને ત્રણ બોલ બાકી રહેતાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સાંતેએ ઓપનર એલેક્સને રન આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સની અને અખિલ રેડ્ડીએ 3-3 વિકેટ લીધી હતી.
લિયામ ઓ બ્રાયને ફટકારી ફિફ્ટી
ઈંગ્લેન્ડ તરફથી લિયામ ઓ બ્રાયન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે 44 બોલમાં 58 રન બનાવ્યા હતા. બેન સટન 11 રન અને એન્થોનીએ 25 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ભારત છેલ્લી મેચ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે.