ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે કર્યા લગ્ન, દુલ્હા-દુલ્હનની પહેલી તસવીર આવી સામે
મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 T20I મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
મુકેશે ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20I મેચથી લગ્ન માટે રજા લીધી હતી
Image:Twitter |
Mukesh Kumar Marriage Photos : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશે ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20I મેચથી લગ્ન માટે રજા લીધી હતી. મુકેશ કુમારના લગ્નની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર આવી ચુકી છે. IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે મુકેશ કુમારને અભિનંદન આપતા લગ્નની તસવીર શેર કરી છે. મુકેશ અને તેની પત્ની આ તસવીરમાં ખુબ જ શાનદાર દેખાઈ રહ્યા છે.
મુકેશ કુમારના લગ્નની તસવીરો આવી સામે
મુકેશ કુમારની પત્નીનું નામ દિવ્યા છે. મુકેશ કુમાર ગોપાલગંજનો રહેવાસી છે અને તેણે લગ્ન ગોરખપુરમાં કર્યા હતા. સોશ્યલ મીડિયા પર લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુકેશ વરરાજાના રૂપમાં જતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે શેરવાની પહેરી છે. જણાવી દઈએ કે મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે પરંતુ તેણે ત્રીજી T20Iમાં BCCI પાસેથી લગ્ન માટે રજા માંગી હતી.
ચોથી T20Iમાં મુકેશ કુમાર ભારતીય ટીમ સાથે જોડાશે
મુકેશ કુમાર ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી અગાઉ 2 T20I મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગમાં પણ સામેલ હતો. ત્રીજી T20I મેચમાં તેની જગ્યાએ આવેશ ખાનને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાયપુરમાં રમાનાર ચોથી T20Iમાં મુકેશ કુમાર ભારતીય ટીમ સાથે જોડાશે. જણાવી દઈએ કે મુકેશ કુમાર ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચુક્યો છે. તેણે 2023માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યો હતો. તે અત્યાર સુધી 1 ટેસ્ટ, 3 વનડે અને 7 T20I મેચ રમી ચુક્યો છે.