ભારતીય ઓપનર પૃથ્વી શોની વાપસી! બંગાળ સામેની મેચમાં ક્રિકેટ મેદાન પર પરત ફરશે
ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા સમયે પૃથ્વી શોને ઘૂંટણની ઈજા થઇ હતી
image: Social Media |
Prithvi Shaw Comeback : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર પૃથ્વી શો માટે સારા સમાચાર આવ્યા છે. પૃથ્વી શો લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો છે. રણજી ટ્રોફી 2023-24 સિઝનના ગ્રૂપ-Bમાં મુંબઈ અને બંગાળ વચ્ચે ટક્કર થશે. પૃથ્વી શો મુંબઈના પ્લેઇંગ-11નો ભાગ હશે. છેલ્લા ઘણાં સમયથી શો ક્રિકેટના મેદાનથી બહાર છે, પરંતુ હવે તે મેદાનમાં વાપસી કરવા તૈયાર છે.
ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા થઇ હતી ઈજા
ગયા વર્ષે ઓગસ્ટમાં પૃથ્વી શોને ઘૂંટણની ઈજા થઇ હતી. તે સમયે શો ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. આ પછી તેણે સર્જરી કરાવી અને પછી નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબથી પસાર થવું પડ્યું. પરંતુ હવે તે મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ બેંગલુરુમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શોને ફિટ જાહેર કર્યો હતો. આ રીતે તે મેદાનમાં પરત ફરી શકે છે. જો કે મુંબઈ અને બંગાળ રણજી ટ્રોફી 2023-24 સિઝનની ગ્રુપ-B મેચમાં ટકરાશે, જેમાં પૃથ્વી શો રમતા જોવા મળશે.
નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શોને ફિટ જાહેર કર્યો
મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અજિંક્ય નાઈકે આ અંગે કહ્યું, “નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શોને ફિટ જાહેર કર્યો છે. જે બાદ આ યુવા બેટ્સમેનને રણજી ટ્રોફી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.” પૃથ્વી શોએ 5 ટેસ્ટ મેચ સિવાય 6 ODI અને 1 T20I મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય પૃથ્વી શોએ IPLની 71 મેચ રમી છે. પૃથ્વી શો IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.