નીરજ ચોપડાએ બુમરાહને સલાહ આપી, કહ્યું આવું કરવાથી બોલિંગ સ્પીડ વધશે
નવી મુંબઇ,તા. 5 ડિસેમ્બર 2023, મંગળવાર
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને પણ ક્રિકેટમાં ઘણો રસ છે. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જો કે તે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચના બે અઠવાડિયા પછી, નીરજ ચોપરાએ ક્રિકેટના ઘણા પાસાઓને લઈને નિવેદન આપ્યું છે.
જસપ્રિત બુમરાહને પોતાનો ફેવરિટ ફાસ્ટ બોલર
ટોક્યો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જસપ્રિત બુમરાહને પોતાનો ફેવરિટ ફાસ્ટ બોલર ગણાવ્યો છે. નીરજે કહ્યું- મને બુમરાહ ગમે છે. તેની બોલિંગ એક્શન અનોખી છે. મને લાગે છે કે, બુમરાહે તેનો રન અપ લંબાવવો જોઈએ જેથી તેની સ્પીડ વધે. બોલરોને કેવી રીતે ગતિ વધારવાની જરૂર છે તે વિશે આપણે ઘણીવાર વાત કરીએ છીએ. જો તે થોડો પાછળથી દોડે તો તે શક્ય છે. મને બુમરાહની સ્ટાઈલ ગમે છે. હું આ મારા ભાલા ફેંકના અનુભવ પરથી કહી રહ્યો છું.
આ કારણે બુમરાહ અલગ છે
જો કે, લાંબા રન-અપ દ્વારા બોલની ઝડપ વધારવાનો આ સિદ્ધાંત નવો નથી. મોટાભાગના ઝડપી બોલરો, જેઓ સતત 145-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, તેઓ ઘણીવાર લાંબા રન-અપ કરે છે. આ તફાવત બુમરાહને અન્ય ઝડપી બોલરોથી અલગ બનાવે છે. બુમરાહ માત્ર ટૂંકા રન અપ સાથે આટલી ઝડપ હાંસલ કરી શકે છે. જો કે, તેને આનું પરિણામ ભોગવવું પડ્યું અને તેની પીઠ પર ઈજાઓ થતી રહી. આ કારણે બુમરાહની સ્પીડ પણ ઓછી થઈ ગઈ છે.