ભારતીય હૉકી ટીમના બે ખેલાડીઓએ કરી સગાઈ, આગામી મહિને કરશે લગ્ન
Akashdeep Singh And Monika Malik To Get Married : ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી અને ઓલિમ્પિયન આકાશદીપ સિંહ અને હરિયાણાની હોકી ખેલાડી મોનિકા મલિક ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની સગાઈ લુધિયાણા હાઈવે સ્થિત એક ક્લબમાં યોજાઈ હતી. મોનિકા મલિક મૂળ હરિયાણાના સોનીપતના ગોહાના ગામડી ગામની રહેવાસી છે. જ્યારે આકાશદીપ સિંહ તરનતારનના ખડુર સાહિબના ગામ વીરોવાલનો રહેવાસી છે.
ક્યારે અને ક્યાં યોજાશે લગ્ન?
બે દિવસ બંને ખેલાડીઓ 15 નવેમ્બરે લગ્નગ્રંથીથી જોડાશે. તેમના લગ્ન સમારોહનું આયોજન મોહાલીના લાંડરા-સરહિંદ હાઇવે પર સ્થિત એક ખાનગી રિસોર્ટમાં યોજાશે. આ સમારોહમાં હોકી જગતના ઘણાં પ્રખ્યાત ખેલાડીઓ અને અધિકારીઓ હાજરી આપશે.
આકાશદીપ ડીએસપી તો મોનિકા રેલ્વેમાં ફરજ બજાવે છે
આકાશદીપ સિંહ પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે ફરજ બજાવે છે. ગયા વર્ષે પંજાબના સીએમ ભગવંત સિંહ માન દ્વારા તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે મોનિકા મલિક ભારતીય રેલ્વેમાં કામ કરે છે.
બાળપણથી જ હોકી રમવાનું શરુ કર્યું
હોકી ટીમમાં આકાશદીપ સિંહ ફોરવર્ડ લાઇનમાં રમે છે. તેનો મોટો ભાઈ પ્રભદીપ સિંહ પણ હોકી રમે છે. અને દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આકાશદીપ સિંહે શાળા સ્તરે જ ખડૂર સાહિબમાં આવેલી બાબા ગુરમુખ સિંહ બાબા ઉત્તમ સિંહ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં હોકી રમવાનું શરુ કરી દીધું હતું. હોકી પ્રત્યેના તેમના જુસ્સાને કારણે આકાશદીપ વર્ષ 2006માં ગુરુ અંગદ દેવ સ્પોર્ટ્સ ક્લબમાંથી લુધિયાણામાં PAU હોકી એકેડમીમાં ગયો હતો. અત્યારબાદ તે જલંધર સ્થિત સુરજીત હોકી એકેડમીમાં જોડાયો હતો.
અર્જુન એવોર્ડથી સન્માનિત છે આકાશદીપ
વર્ષ 2011માં આકાશદીપ જુનિયર નેશનલ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તે વર્ષ 2012માં દિલ્હીમાં યોજયેલા જુનિયર વર્લ્ડકપની ટીમનો ભાગ હતો. તેની પ્રતિભા એટલી અસાધારણ હતી કે તેણે સિનિયર નેશનલ ટીમ માટે રમ્યાના એક વર્ષ બાદ જ અંડર-21માં તેણે ડેબ્યૂ કરી દીધું હતું. આકાશદીપ સિંહને ઓગસ્ટ 2020માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.