ભારતીય હોકી ખેલાડી દુષ્કર્મના આરોપ પછી ફરાર, POCSO હેઠળ કેસ નોંધાયો
- પીડિતાએ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં વરુણ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
Image Source: Twitter
Varun Kumar Rape Accused: ભારતીય હોકી ટીમના ખેલાડી પર બેંગલુરુની યુવતી સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ ખેલાડી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે હોકી ખેલાડી વરુણ કુમારે યુવતીને લગ્નનું વચન આપ્યુ હતું. આરોપ છે કે, છેલ્લા 5 વર્ષથી તેણે પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. પીડિતાએ જણાવ્યું કે, જ્યારે પહેલી વખત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તે સગીર હતી. પીડિતાએ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં વરુણ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઈન્સ્ટાગ્રામ પર વરુણ કુમાર સાથે મુલાકાત
પોલીસમાં નોંધાયેલા રિપોર્ટ પ્રમાણે પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે 2019માં તેની મુલાકાત ઈન્સ્ટાગ્રામના માધ્યમથી વરુણ કુમાર સાથે થઈ હતી. તે સમયે તે માત્ર 17 વર્ષની હતી. જ્યારે સગીરા સાથે પહેલી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે વરુણ સાઈમાં તાલીમ લઈ રહ્યો હતો. યુવતીનો આરોપ છે કે ત્યારબાદ જ્યારે પણ વરુણ બેંગલુરુના સાઈ સ્ટેડિયમમાં મેચ રમવા આવતો ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. હાલમાં પીડિતાની ઉંમર 22 વર્ષ છે, પરંતુ બંનેની મુલાકાત થઈ હતી ત્યારે યુવતી 17 વર્ષની હતી.
હાલ વરુણ કુમાર ફરાર
પીડિતાએ જણાવ્યું કે, વરુણ કુમાર છેલ્લા પાંચ વર્ષમાં તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરી ચૂક્યો છે. પીડિતાની ફરિયાદના આધારે જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં વરુણ કુમાર વિરુદ્ધ FIR નોંધી લેવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, વરુણ કુમાર હાલમાં ફરાર છે. પોલીસ તેને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
વરુણ મૂળ હિમાચલનો રહેવાસી છે પરંતુ તે હોકી માટે પંજાબ આવી ગયો હતો. વરુણે 2017માં ભારતીય હોકી ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. વરુણે 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વરુણ 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો હતો.