ચક દે ઈન્ડિયા, હોકીમાં ભારતનો મેડલ પાક્કો! 44 વર્ષ બાદ બન્યો ગજબ સંયોગ
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય હોકી ટીમે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવીને સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. અને હવે મેડલથી એક પગલું દૂર છે. ટીમ પાસે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. આગમી સેમિ ફાઈનલ મેચમાં ભારતનો સામનો જર્મની સામે થશે. જો ભારત સેમિ ફાઈનલ જીતી ગયું તો તેનો સામનો નેધરલેન્ડ અથવા સ્પેન સામે થશે.
ભારતે હોકીમાં અત્યાર સુધીમાં કુલ 12 મેડલ જીત્યા
હવે 6 ઓગસ્ટે ભારતીય ટીમ સેમિ ફાઇનલ મેચમાં જર્મની સામે ટકરાશે. જર્મનીએ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાને 3-2થી હરાવ્યું હતું. પહેલી સેમિ ફાઇનલમાં સ્પેનનો સામનો નેધરલેન્ડ સામે થશે. 44 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે કે' જ્યારે બેલ્જિયમ કે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સેમિ ફાઈનલમાં નહીં હોય. અગાઉ વર્ષ 1980માં મોસ્કો ઓલિમ્પિકસમાં આવું થયું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકસનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બેલ્જિયમની ટીમ હોકી ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઇ શકી ન હતી. 1980ના ઓલિમ્પિકસમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 12 ઓલિમ્પિકસ મેડલ જીત્યા છે - જેમાં 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
52 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
પેરિસ ઓલિમ્પિકસમાં ભારતીય ટીમને પૂલ-બીમાં રાખવામાં આવી હતી. ભારતીય ટીમે તેની પહેલી પૂલ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે આર્જેન્ટિના સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી. ત્યારબાદ ત્રીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકસમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. ત્યારે 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
પેરિસ ઓલિમ્પિકસ 2024 માટે ભારતીય હોકી ટીમ
ગોલકીપર: પી આર શ્રીજેશ.
ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય.
મિડફિલ્ડરઃ રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.
ફોરવર્ડઃ અભિષેક, સુખજિત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ, ગુરજંત સિંહ.
વૈકલ્પિક ખેલાડીઓ: નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.