VIDEO: કૅપ્ટન માટે રિસ્પેક્ટ તો જુઓ! રોહિતને આવતો જોઈ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો ભારતીય ક્રિકેટર
Shreyas Iyer Video: સોશિયલ મીડિયા પર એક ઇવેન્ટનો ખાસ વિડિયો વાયરલ થયો છે જેણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. આ વીડિયોમાં ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યર રોહિત માટે આદર બતાવતો દેખાયો હતો. વીડિયોમાં શ્રેયસ ઐય્યર, જે પહેલાથી જ એક ખુરશી પર બેઠેલો દેખાય છે, તે રોહિત આવતાંની સાથે જ પોતાની ખુરશી પરથી ઊભા થઈ કૅપ્ટનને તેની સીટ આપતો દેખાયો હતો. આખરે રોહિત શર્મા હસ્યો અને સીટ પર બેસી ગયો, જ્યારે ઐય્યર તેની બાજુની ખુરશી પર બેઠો હતો.
શ્રેયસ ઐય્યરે જુનિયર ખેલાડીઓને પ્રેરણા આપતું કામ કર્યું હતું અને દર્શાવ્યું હતું કે એક ટીમમાં સિનિયર અને કૅપ્ટન માટે બાકીના જુનિયર ખેલાડીઓને કેટલું માન હોય છે. IPLના 17 વર્ષમાં તે બે અલગ-અલગ ફ્રેન્ચાઇઝીને ફાઇનલમાં લઈ જનાર પ્રથમ કૅપ્ટન બન્યો હતો. અગાઉ 2020માં દિલ્હી કેપિટલ્સને તેણે ફાઇનલમાં પહોંચાડી હતી. તો આ વર્ષની શરુઆતમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સને ત્રીજો આઇપીએલ ખિતાબ જીતાડનાર ઐય્યરને પણ 'ઉત્તમ નેતૃત્વ' માટે ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
વેકેશન પર ટીમ ઇન્ડિયા
ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દુર્લભ કહી શકાય એવા 42-દિવસના લાંબા વિરામ પર છે જે આ મહિનાની શરુઆતમાં શ્રીલંકાના પ્રવાસના સમાપન સાથે શરુ થઈ હતી. હવે તેઓ આગામી 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં મેદાનમાં ઉતરશે.
તો આ સમયગાળામાં સ્થાનિક લેવલે ફોર્મ મેળવવા માટે રિષભ પંત અને રિંકુ સિંહ જેવા કેટલાક ખેલાડીઓએ પોતપોતાની સ્થાનિક T20 ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લીધો હતો, જ્યારે ઇશાન કિશન જેવા કેટલાક ખેલાડીઓ બુચી બાબુ ઇન્વિટેશનલ રેડ-બોલ ટુર્નામેન્ટનો ભાગ છે.
આ પણ વાંચો: હવે ટેસ્ટ ક્રિકેટમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ સુધારવાનો ઇરાદો
શ્રેયસ ઐય્યર પણ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન માટે સૂર્યકુમાર યાદવની સાથે પ્રી-સીઝન ટુર્નામેન્ટમાં રમશે. તો 5 સપ્ટેમ્બરથી શરુ થનારી દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં પંત અને ઇશાન સહિત દિગ્ગજ ક્રિકેટર્સ અલગ અલગ 4 ટીમો માટે રમવા ઉતરશે.
બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે રમાનાર ટેસ્ટ શ્રેણી માટે અંતિમ 15 માટે પસંદગીકારો નક્કી કરવામાં સ્થાનિક ટુર્નામેન્ટ મુખ્ય ભૂમિકા ભજવશે. દરમિયાન, રોહિત, કોહલીની સાથે જસપ્રિત બુમરાહ અને આર અશ્વિનને ટેસ્ટ શ્રેણી માટે મેચ માટે તૈયાર રાખવા માટે થઈને આરામ આપવામાં આવ્યો છે અને ટુર્નામેન્ટમાં ઉમેરવામાં આવ્યા નથી.