ટીમ ઇન્ડિયામાં 3 મેચમાં જ રમવાનો મળ્યો મોકો, હવે પાડોશી દેશમાં જઈને બન્યો કૅપ્ટન
Lanka T10 Super League, Saurabh Tiwary : શ્રીલંકામાં 11 ડિસેમ્બરથી લંકા T10 સુપર લીગ શરુ થવા જઈ રહી છે. આવું પહેલી વખત બનશે કે આ લીગ શ્રીલંકામાં રમાશે. આ લીગમાં 10-10 ઓવરની મેચો રમાશે. જેમાં કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ મેચો કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આશ્ચર્યની વાત એ છે કે આ છમાંથી એક ફ્રેન્ચાઇઝીએ ભારતીય ખેલાડીને તેના કૅપ્ટન તરીકે પસંદ કર્યો હતો. આ ભારતીય ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ જ ટૂંકી હતી. આ ખેલાડી ભારતીય ટીમ માટે માત્ર 3 મેચ જ રમી શક્યો હતો.
નુવારા એલિયા કિંગ્સ ટીમનો કૅપ્ટન બન્યો સૌરભ
કિંગ્સ લંકા T10 સુપર લીગમાં રમી રહેલી છ ટીમોમાંથી એક ટીમ નુવારા એલિયા કિંગ્સ છે. નુવારા એલિયા કિંગ્સે પૂર્વ ભારતીય ખેલાડી સૌરભ તિવારીને લીગની પહેલી સિઝન માટે તેની ટીમનો કૅપ્ટન નિયુક્ત કર્યો છે. સૌરભ તિવારીએ આ વર્ષની શરુઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. સૌરભ તિવારીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન કુલ 3 મેચ રમી હતી. 2010માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યુ કરનાર સૌરભે તેની છેલ્લી વનડે મેચ તે જ વર્ષે ન્યુઝીલૅન્ડ સામે રમી હતી. આ પછી તેને ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ પણ વાંચો : ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રિષભ પંતને થઈ ઈજા, અટકાવી દેવાઈ પ્રેક્ટિસ
સૌરભ તિવારીની ક્રિકેટ કારકિર્દી
સૌરભ તિવારી 2008માં ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહ્યો હતો. તેણે ભારત માટે ત્રણ વનડે મેચમાં માત્ર 49 રન બનાવ્યા હતા. આ સિવાય સૌરભ તિવારીએ IPLમાં 93 મેચ રમી હતી. જેમાં તેણે 1494 રન બનાવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, સૌરભ તિવારીની કૅપ્ટનશીપમાં નુવારા એલિયા કિંગ્સ ટીમ લીગના પહેલા જ દિવસે મેદાન પર જોવા મળશે. લીગની પહેલી મેચ જાફના ટાઇટન્સ ટુર્નામેન્ટ અને હમ્બનટોટા બાંગ્લા ટાઇગર્સ વચ્ચે રમાશે. આ પછી નુવારા એલિયા કિંગ્સનો સામનો કોલંબો જગુઆર સાથે થશે. જ્યારે દિવસની છેલ્લી મેચમાં મુકાબલો કેન્ડી બોલ્ટ્સ અને ગાલ માર્વલ્સ વચ્ચે થશે.