ભારતીય ક્રિકેટર સામે દુષ્કર્મનો કેસ, ઓસ્ટ્રેલિયન મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
નિખિલે ઓસ્ટ્રેલિયન લીગ BBLમાં હોબાર્ટ હરિકેન્સ માટે 9 મેચ રમી છે
Image:Twitter |
Indian Cricketer Nikhil Chaudhary : ભારતીય મૂળના ક્રિકેટર નિખિલ ચૌધરી પર ઓસ્ટ્રેલિયામાં એક મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિતાના મિત્રોએ ટાઉન્સવિલેની ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું કે પીડિતાએ તેઓને રડતા-રડતા કહ્યું કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નિખિલે દુષ્કર્મ માટે દોષિત ન હોવાની કબૂલાત કર્યા બાદ તેની સુનાવણી ચાલી રહી છે. તેના પર મે 2021માં ટાઉન્સવિલેના નાઈટક્લબમાં નાઈટ આઉટ દરમિયાન એક મહિલા પર જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નિખિલ પીડિતાને નાઈટક્લબના ડાન્સ ફ્લોર પર મળ્યો
ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે ફ્લિન્ડર્સ સ્ટ્રીટ પર નિખિલની કારમાં મહિલાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીડિતાને ઇજા થઈ હતી અને લોહી વહેતું હતું. ડિફેન્સ ડિજીટલ પેનિટ્રેશન થયું કે કેમ અને મહિલાએ જાતીય કૃત્ય માટે સંમતિ આપી કે કેમ તે અંગે દલીલ કરી રહ્યું છે. ટાઉન્સવિલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના અહેવાલો મુજબ નિખિલ પીડિતાને નાઈટક્લબના ડાન્સ ફ્લોર પર મળ્યો, જ્યાં તેણે ડાન્સ કર્યો અને કિસ કરી હતી.
પીડિતાના મિત્રોએ 3 વાગ્યે નિખિલ અને મહિલાને કારમાં જતા જોયા
મહિલાના મિત્રોએ કોર્ટમાં જણાવ્યું કે જ્યારે તેઓએ પીડિતા અને નિખિલને સવારે 3 વાગ્યાની આસપાસ તેની કારમાં જતા જોયા ત્યારે તેઓ ચિંતિત થઈ ગયા હતા. એક મિત્રએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નિખિલને કારમાંથી બહાર નીકળતો જોયો હતો. પીડિતા રડતી હતી અને કહ્યું કે તેણે તેની સાથે દુષ્કર્મ કર્યો છે. ફોરેન્સિક નર્સે જણાવ્યું હતું કે તેણે કથિત દુષ્કર્મના થોડા કલાકોમાં પીડિતાની તપાસ કરી હતી. તેણે જણાવ્યું કે કિસ સહમતિથી થઇ હતી, પરંતુ સંબંધ સહમતિથી ન હતો. પીડિતાને આંતરિક ઈજાઓ થઈ હતી.
ફરિયાદી નિખિલ સાથે ઘરે જવા માંગતી હતી
બચાવ પક્ષના વકીલે કહ્યું કે નિખિલ ચૌધરીએ રાત્રે પોલીસને જણાવ્યું હતું કે ફરિયાદી તેની સાથે ઘરે જવા માંગતી હતી. કથિત પીડિતાએ એમ પણ કહ્યું કે, તે તેના મિત્ર વિના જવા માંગતી નથી. ફરિયાદી શૈનને પોતાના સંબોધનમાં કહ્યું કે નિખિલે 20 વર્ષીય પીડિતાનો ફાયદો ઉઠાવ્યો. તેઓએ કોર્ટને જણાવ્યું કે તેણે તે રાત્રે જે બન્યું તે વિશે જૂઠું બોલ્યું અને પોલીસને કહ્યું કે તેણે તેની કારમાં કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બનાવ્યા ન હતા.