હાર્દિક કેપ્ટન અને આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી થશે ટીમની બહાર... શ્રીલંકા સામે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયા
Team India For ShriLanka T20 Series: ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાનો પ્રવાસ કરશે. શ્રીલંકામાં ભારતીય ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણી અને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. ત્યારે આ શ્રેણી માટે ભારતીય ટીમને લઇને હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. શક્યતા છે કે, હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાં આરામ મળી શકે છે. આ સિવાય શિવમ દુબે પણ આ શ્રેણીમાંથી બહાર રહી શકે છે. ઝિમ્બાબ્વે સામેની ટીમની વાત કરીએ તો અભિષેક શર્મા, રિયાન પરાગ, તુષાર દેશપાંડેને શ્રીલંકા શ્રેણી માટેની ટિકિટ મળવી ઘણી મુશ્કેલ છે. વાસ્તવમાં, 2026ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, શ્રીલંકા સામે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી શકે છે. વિશ્વ વિજેતા ટીમના સભ્ય ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ શ્રીલંકા શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.
કોચ તરીકે ગંભીર સંભાળી શકે છે કાર્યભાર
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ છે. રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ હવે હાર્દિક પંડ્યાને T20નો નવો કેપ્ટન જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે, રિષભ પંત પણ કેપ્ટન બનવાના દાવેદારોમાં સામેલ છે. વાસ્તવમાં, હાર્દિકની સતત ઈજા તેના કેપ્ટન બનવામાં અડચણ બની શકે છે.
આ ખેલાડીઓને ટીમમાં મળી શકે છે સ્થાન
શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં બેટીંગ વિભાગમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થઈ શકે છે. રિષભ પંત અને સંજુ સેમસન બંનેમાંથી કોઇ એક વિકેટકીપર બની શકે છે. આ સિવાય અક્ષર પટેલ અને અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં બે સ્પિનર ઓલરાઉન્ડર અને કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર બની શકે છે. જ્યારે ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહ, અવેશ ખાન અને મોહમ્મદ સિરાજની સાથે ખલીલ અહેમદ અથવા મુકેશ કુમારને સ્થાન મળી શકે છે.
શ્રીલંકા સામેની સંભવીત ટીમ
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિંકુ સિંઘ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ/મુકેશ કુમારનો સમાવેશ થઇ શકે છે.