Indian Cricket Team: શ્રીલંકા પ્રવાસ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમનું શું છે પ્લાનિંગ, જાણો ક્યારે અને કોની સામે રમશે
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકામાં વનડે શ્રેણી રોહિત શર્માની કપ્તાનીમાં હારી ગઈ હતી. અગાઉ આ જ પ્રવાસમાં ટી20 શ્રેણીમાં ભારતે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં યજમાન ટીમને 3-0થી હરાવી હતી. ટીમ ઈન્ડિયાએ ODIમાં ઘણા પ્રયોગો કર્યા હતા જે એકંદરે નિષ્ફળ રહ્યા હતા. યજમાન ટીમના સ્પિન આક્રમણ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિયા ટેકવી દેતા જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમની આ પ્રથમ શ્રેણી હતી. જેમાં T20 શ્રેણી તો સુર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારત જીતી ગયું હતું પરંતુ ત્યાર પછી વન-ડે શ્રેણીમાં હાર્યું હતું. શ્રીલંકા બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. સારી બાબત એ છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ અને T20 મેચોની શ્રેણી રમાશે.
ટેસ્ટ શ્રેણી ક્યારે શરૂ થશે?
ભારત અને બાંગ્લાદેશ (IND vs SL) વચ્ચે 2 ટેસ્ટ અને 3 મેચની T20 શ્રેણી રમાશે. ભારતીય ટીમ આ વર્ષે હવે ODI મેચ રમશે નહીં. બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે.
T20 શ્રેણી ક્યારે રમાશે?
ટેસ્ટ બાદ T20 સિરીઝ શરૂ થશે. શ્રેણીની પ્રથમ T20 મેચ ધરમશાલાના HPCA સ્ટેડિયમમાં રમાશે. સીરિઝની બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ત્રીજી અને છેલ્લી T20 મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
બાંગ્લાદેશ સામે ઘરઆંગણે આ ટેસ્ટ અને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણી રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની પણ યજમાની કરશે . કિવી ટીમ ભારત સાથે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવા આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 28 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 5 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ વર્ષના અંતમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે
જે બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પછી, ભારતીય ટીમ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે જ્યાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાનો પેસ એટેક કિંગ જસપ્રીત બુમરાહ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં વાપસી કરશે. ભારતીય ટીમને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવી હશે તો આ ત્રણેય શ્રેણી મહત્વની સાબિત થશે.